
સુરત, 28 ઓક્ટોબર (હિ.સ.): “સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે સેવા મેરા યોગદાન થીમ પર સુરત જિલ્લા પોલીસ અને આરટીઓ બારડોલીના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી અંગે બારડોલી નગરમાં ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી માર્ગ સલામતી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા કલેકટર તેજસ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, બારડોલી પ્રાંત અધિકારી, ડીવાયએસપી, બારડોલી આરટીઓના અધિકારીઓ, સ્વરાજ આશ્રમના નિરંજનાબેન કલાર્થી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ તથા જિલ્લા કલેકટરએ સૌને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાનો અનુરોધ કર્યો હતો.
માર્ગ સલામતી બાઈક રેલીમાં આશરે 200 જેટલા બાઈક સવારો જોડાયા હતા. રેલી દરમિયાન માર્ગ સલામતીના નિયમોનું પાલન, હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ, ટ્રાફિક નિયમોનું પાલન, જવાબદારીપૂર્વક વાહન ચલાવવું તેમજ અન્ય વાહનચાલકો અને રાહદારીઓની સલામતી જાળવવા અંગે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ બાઈક રેલીનો સ્વરાજ આશ્રમથી શરૂ થઈને લીમડા ચોક, ગાંધી રોડ અને રેલવે સ્ટેશન થઈ પુનઃ સ્વરાજ આશ્રમ ખાતે આશરે 5 કિલોમીટરના રૂટ પર રેલી ફરી હતી. આ રેલીમાં 200થી વધુ બાઈક સવારો, એન.સી.સી. (NCC) કેડેટ્સ તેમજ બારડોલી કોમર્સ કોલેજ અને માલીબા કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ અવસરે માર્ગ સુરક્ષાના મહત્વને સમજીને પોલીસ વિભાગ દ્વારા પોતાના સ્ટાફ અને જવાનોને સુરક્ષાના ભાગરૂપે આશરે 200 જેટલા હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
માર્ગ અકસ્માતો અટકાવવા માટે દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજીને ટ્રાફિક નિયમોનું પાલન કરવું, દ્વિચક્રી વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો અને ઝડપ મર્યાદાનું પાલન કરવું જરૂરી છે. આ બાઈક રેલી દ્વારા પણ નાગરિકોને “માર્ગ સલામતી–સૌની જવાબદારી”નો સંદેશ આપવામાં આવ્યો હતો.
અંતે સૌએ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે