

પાટણ, 28 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ શહેરની એક શાળામાં ગુજરાતી અને વ્યાયામના શિક્ષક તરીકે ફરજ બજાવતા રણજીત ચૌધરી (રહે. ખંડોસણ, તા. વિસનગર)ને સગીર વિદ્યાર્થિનીની જાતીય સતામણીના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે 4 વર્ષની સખત કેદ અને ₹25,000ના દંડની સજા ફટકારી છે. સ્પેશિયલ પોક્સો જજ એમ. એ. શેખે 39 પાનાંના ચુકાદામાં પુરાવાઓને આધારે આ નિર્ણય આપ્યો હતો.
21 એપ્રિલ, 2024ના રોજ આરોપીએ સગીરાના પિતાના મોબાઇલ પર મેસેજ કરીને ધોરણ-1ના ગુજરાતી વિષયનું પેપર ચેક કરવાના બહાને પાટણના ગુંગડી તળાવ પાસે બોલાવી હતી. ત્યારબાદ તેને પોતાની એક્ટિવા પર બેસાડીને ઘરે લઈ ગયો હતો, જ્યાં તેની સાથે છેડતી કરી હતી. સગીરાએ વિરોધ કરીને આરોપીને ધક્કો માર્યો અને ત્યાંથી બહાર નીકળી પોતાની બહેનપણી તથા વાલીને જાણ કરી હતી.
સગીરાની ફરિયાદના આધારે પાટણ સિટી 'બી' ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પંચનામું, સગીરાનું CrPC કલમ 164 હેઠળનું નિવેદન, FSLના વૈજ્ઞાનિક પુરાવા અને CDR સહિતના પુરાવા એકત્ર કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
ટ્રાયલ દરમિયાન કોર્ટે જન્મના આધાર પર ઘટના સમયે સગીરાની ઉંમર 16 વર્ષ, 9 મહિના અને 18 દિવસ હોવાનું માન્ય રાખ્યું હતું. સરકાર પક્ષે સરકારી વકીલ જનકભાઈ ડી. ઠક્કરે દલીલો અને પુરાવા રજૂ કર્યા હતા. પુરાવાઓના આધારે કોર્ટે આરોપીને 4 વર્ષની સખત કેદ અને ₹25,000ના દંડની સજા ફટકારી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ