વ્યાજખોર-ભૂમાફિયા અલ્પેશ દોંગાએ ખેડૂતને રૂ.7 લાખનું ધિરાણ આપી રૂ.64 લાખ પડાવ્યા : વધુ એક ગુનો નોંધાયો
રાજકોટ, 28 ઓક્ટોબર (હિ.સ.) : કોટડાસાંગાણીના જૂની મેંગણી ગામના ખેડૂત સાથે વ્યાજખોરી અને છેતરપિંડી આચરવાના પ્રકરણમાં કુખ્યાત ભૂમાફિયા અલ્પેશ દોંગા સામે મંગળવારે લોધિકા પોલીસ મથકે વધુ એક ગુનો નોંધાયો છે. આરોપીએ માત્ર સાત લાખ રૂપિયાના બદલામાં ખેડૂતની
ફરિયાદ


રાજકોટ, 28 ઓક્ટોબર (હિ.સ.) : કોટડાસાંગાણીના જૂની મેંગણી ગામના ખેડૂત સાથે વ્યાજખોરી અને છેતરપિંડી આચરવાના પ્રકરણમાં કુખ્યાત ભૂમાફિયા અલ્પેશ દોંગા સામે મંગળવારે લોધિકા પોલીસ મથકે વધુ એક ગુનો નોંધાયો છે. આરોપીએ માત્ર સાત લાખ રૂપિયાના બદલામાં ખેડૂતની 11 વીઘા જમીન પચાવી પાડી અને કરોડોની કિંમતની મિલકત પડાવી લીધી તેમજ આ ધિરાણના બદલામાં તેની પાસેથી રૂ.64 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, વર્ષ 2018માં જૂની મેંગણી ગામના ખેડૂત ધર્મેન્દ્રભાઈ પ્રેમજીભાઈ ભાલોડી (50)ને આર્થિક જરૂરિયાત ઊભી થતાં તેમણે નાના મવા રોડ પર આવેલી પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટની જાહેરાત જોઈ સંપર્ક કર્યો હતો. અલ્પેશ દોંગાએ પાંચ ટકા વ્યાજે લોન આપવાની લાલચ આપી અને સિક્યુરિટી પેટે જમીનનો સાટાખત કરાવી લેવાની શરતે પ્રથમ બે લાખ અને બાદમાં પાંચ લાખ એમ કુલ સાત લાખ રૂપિયા આપ્યા હતા. આ વ્યવહારના ભાગરૂપે ફરિયાદીની 11 વીઘા વડીલોપાર્જિત જમીન વિક્રમભાઈ ડાંગર તથા મૌલિક શેખલિયાના નામે સાટાખત કરાવી લેવામાં આવી હતી.

સાટાખતની મુદત પૂર્ણ થયા બાદ અલ્પેશ દોંગાએ નાણાં પરત ચૂકવવા અથવા ફરીથી સાટાખત કરી આપવા દબાણ કર્યું હતું. ખેડૂત પાસે નાણાંની સગવડ ન હોવાથી વિશ્વાસઘાત કરીને આ જમીનનો દસ્તાવેજ વિક્રમ ડાંગરના ભાઈ અરવિંદ ડાંગરના નામે કરાવી લેવામાં આવ્યો હતો. વર્ષ 2021માં અલ્પેશ દોંગાએ તેના માણસ જયેશ મારફતે સંદેશ મોકલ્યો કે લીધેલા નાણાં વ્યાજ સાથે 32 લાખ થઈ ગયા છે, જેથી તે રકમ ચૂકવો અથવા જમીનનો દસ્તાવેજ કરી આપો.

ફરીયાદી પાસે નાણાં ન હોવાથી બે એકર જમીન લખી આપવાની સહમતી દર્શાવવામાં આવી હતી. અલ્પેશ દોંગાએ આ બે એકર જમીનનો દસ્તાવેજ તેના સંબંધી ધવલભાઈના સાળા નૈમિષ મેઘાણીના નામે કરાવી લીધો અને 32 લાખ મની પ્લસ શરાફી મંડળીમાં જમા હોવાનું તેમજ દર મહિને એક ટકા વ્યાજ ચૂકવવાનું લખાણ આપ્યું હતું. જોકે, ત્યારબાદ અન્ય શખ્સો દ્વારા પણ કાનૂની નોટિસ અને જમીન પર દબાણ વધારવામાં આવતા સમગ્ર કૌભાંડની જાળ વધુ ફેલાઈ હતી.

અરવિંદ ડાંગર દ્વારા વકીલ મારફતે નોટીસ મોકલી દસ્તાવેજ બાબતે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો અને દાવો કરાયો કે અલ્પેશ દોંગા તેની પાસે એક કરોડ માંગે છે જેની સિક્યુરિટી પેટે આ જમીન છે. આ પરિસ્થિતિનો લાભ લઈ અને દબાણ ઊભું કરીને ફરિયાદી પાસે વધુ છ વીઘા જમીનનો દસ્તાવેજ પણ કઢાવી લેવામાં આવ્યો હતો. આરોપીઓએ અરસપરસ મેળાપીપળ કરીને ખેડૂતને આર્થિક અને માનસિક રીતે ફસાવ્યો હતો અને કોઈ રકમ કે વળતર ચૂકવ્યું ન હતું.

જ્યારે ફરિયાદીએ અલ્પેશ દોંગાનો વિરોધ કરી પોતાના નાણાં અને જમીન પરત માંગ્યા ત્યારે આરોપીએ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી હતી. અલ્પેશ દોંગાએ ધમકી આપી હતી કે તારાથી થાય તે કરી લેજે, કોઈ રૂપિયા માંગતો નહીં અને જમીનની વાત પણ કરતો નહીં, નહીં તો જાનથી મારી નાખીશ, હું તારા જેવા કેટલાય માણસોની જમીન ખાઈ ગયો છું. આ પ્રકારની ખુલ્લી ધમકીઓ આપીને આરોપીએ કાયદાને નેવે મૂકી પોતાની દાદાગીરી જાળવી રાખી હતી.

અંતે વિવિધ દસ્તાવેજો રદ્દ કરાવવા અને જમીન મુક્ત કરાવવા માટે ફરિયાદીએ નૈમિષ મેઘાણી તથા મૌલિક શેખલિયાને નાણાં ચૂકવવા પડ્યા હતા. સાત લાખ રૂપિયાના સાધારણ દેવા સામે કુલ મળીને 64 લાખ રૂપિયા જેટલી માતબર રકમ અને કિંમતી જમીન પડાવી લેવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું. આ બાબતે લોધિકા પોલીસે ગુનો નોંધીને હાલ જેલમાં રહેલા મુખ્ય સૂત્રધાર અલ્પેશ દોંગાનો કબ્જો મેળવવાની સઘન તજવીજ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande