
- પાટીદાર એકતા સમિતિ સહિત વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી રેલીમાં યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા.
પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે સિદ્ધપુર તાલુકા પાટીદાર એકતા સમિતિ, સરદાર પટેલ ગ્રુપ (SPG) તથા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિદ્ધપુરની ધરણીધર સોસાયટી ખાતેથી શરૂ થયેલી આ બાઈક રેલી શહેરના માર્ગો પરથી પસાર થઈ ઝાપલીલપોળ સ્થિત જૂના ટાવર પાસે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમા સ્થળે પહોંચી હતી. જ્યાં ઉપસ્થિત સૌએ 'સરદાર પટેલ અમર રહો'ના ગગનભેદી નારા લગાવી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
રેલીનું પ્રસ્થાન ધરણીધર સોસાયટી ખાતેથી પૂર્વ કલેક્ટર તથા ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાના પ્રમુખ મહેન્દ્ર એસ. પટેલના હસ્તે કરાવવામાં આવ્યું હતું. રેલીમાં સફેદ વસ્ત્રોમાં સજ્જ મોટી સંખ્યામાં યુવાનો અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સરદાર પટેલ પ્રત્યેની પોતાની શ્રદ્ધા તથા આદર વ્યક્ત કર્યા હતા.
આ આયોજનને સફળ બનાવવા સિદ્ધપુર તાલુકા પાટીદાર એકતા સમિતિના પ્રકાશ પટેલ (પાટીદાર વિલા), જગદીશ પટેલ, રમેશ પટેલ અને જયેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. જ્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી જયેશ એમ. પટેલ, સુરેશ પટેલ, પ્રકાશ પટેલ (રાજવી) તથા મહામંત્રી જગદીશ પટેલે સહયોગ આપ્યો હતો.
તેવી જ રીતે SPG ગ્રુપ તરફથી સુમિત પટેલ, દીપક પટેલ અને પીન્ટુ પટેલ સહિતના કાર્યકરોએ રેલીના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે જે.ડી. પટેલ, હસમુખ પટેલ અને રાજુ આંકવી સહિતના આગેવાનો પણ સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાના આદર્શો નવી પેઢી સુધી પહોંચે તેવા હેતુથી આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સરદાર સાહેબના વિચારોને જનમાનસ સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે યોજાયેલી આ બાઈક રેલીને શહેરમાં ભારે ઉત્સાહ અને ભાવનાત્મક માહોલ વચ્ચે પ્રતિસાદ મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ