સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જયંતી: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી
ગાંધીનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પરિસરમાં આવેલી સરદાર સાહેબની પ્રતિમાને તેમજ વિધાનસભા પોડિયમમાં તેમના તૈલચિત્રને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભાવસભર પુષ્પા
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જયંતી


સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જયંતી


સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જયંતી


ગાંધીનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પરિસરમાં આવેલી સરદાર સાહેબની પ્રતિમાને તેમજ વિધાનસભા પોડિયમમાં તેમના તૈલચિત્રને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

રાષ્ટ્રીય એકતાના પર્વ નિમિત્તે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાનું આ પટાંગણ સરદાર સાહેબના મોટાભાઈ સ્વ. વિઠ્ઠલભાઈ પટેલના નામ સાથે ગૌરવભેર જોડાયેલું છે. એક સામાન્ય ખેડૂત પુત્ર તરીકે સાદગીપૂર્ણ જીવન જીવીને બાળપણથી જ નિડરતા અને સમસ્યાઓનો ઉકેલ લાવવાના ગુણો ધરાવતા સરદાર સાહેબે રાષ્ટ્રનિર્માણમાં અદ્ભુત યોગદાન આપ્યું હતું.

ખેડા સત્યાગ્રહનું સફળ નેતૃત્વ કરી મહાત્મા ગાંધીજીના હસ્તે 'સરદાર'નું બિરુદ મેળવનાર વલ્લભભાઈ પટેલે દેશની આઝાદી બાદ અખંડ ભારતના નિર્માણાર્થે અસંખ્ય રજવાડાઓને એક તાંતણે બાંધવાનું અત્યંત પડકારજનક કાર્ય દૃઢ મનોબળથી સિદ્ધ કર્યું હતું. દેશના વિભાજનની ભારે વેદના અને કપરા કાળ વચ્ચે પણ તેમણે રાષ્ટ્રની આંતરિક સુરક્ષા તથા એકતાને અક્ષૂર્ણ રાખવા પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર અથાક પરિશ્રમ કર્યો હતો.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદર્શિતાને બિરદાવતા જણાવ્યું હતું કે, સરદાર સાહેબના વિચારો અને રાષ્ટ્રીય એકતાનો સંદેશો દેશની યુવા પેઢી સુધી સદૈવ જીવંત રહે તે માટે કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે સમગ્ર દેશ ૩૧મી ઓક્ટોબરને રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવી રહ્યો છે, ત્યારે કેવડિયા ખાતે યોજાઈ રહેલી ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડ અને કાર્યક્રમોમાં સૌ કોઈ સહભાગી થઈ રહ્યા છે.

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે માત્ર પોતાના કે પરિવાર પૂરતું સીમિત ન રહેતા, જ્ઞાતિ, ધર્મ અને પ્રાંતના તમામ ભેદભાવોથી ઉપર ઉઠીને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે જીવવું જોઈએ. સરદાર સાહેબે ચીંધેલા માર્ગને અનુસરીને 'અધિકાર અને ફરજ એ એક જ સિક્કાની બે બાજુ છે' તે સત્ય સ્વીકારી, સ્વચ્છતા જાળવવી, કાયદા-નિયમોનું પાલન કરવું, નિયમિત કરવેરો ભરવો અને રાષ્ટ્રીય સંપત્તિની રક્ષા કરવી એ જ આપણું સર્વોચ્ચ રાષ્ટ્રીય કર્તવ્ય છે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

ગાંધીનગર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આશિષ દવે, વિધાનસભાના સચિવ સી. બી પંડયા સહિત વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ, સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ ગાંધીનગર આગેવાનો તેમજ કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગરના વિદ્યાર્થીઓએ સરદાર સાહેબના તૈલચિત્રને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande