ભાવનગરની સનાતન ધર્મ વિવિધલક્ષી હાઈસ્કૂલમાં મિત્રતાની સુવર્ણજયંતીની ભવ્ય ઉજવણી
ભાવનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગરની શ્રી સનાતન ધર્મ વિવિધલક્ષી હાઈસ્કૂલ ખાતે મિત્રતાના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે અનોખા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૭૬માં ધોરણ-૮ના ટેક્નિકલ વર્ગમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ પોતાની મિત્રતાની સુવ
સુવર્ણ દિવસ ની ઊજવણી કરવામાં આવી


ભાવનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગરની શ્રી સનાતન ધર્મ વિવિધલક્ષી હાઈસ્કૂલ ખાતે મિત્રતાના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે અનોખા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૭૬માં ધોરણ-૮ના ટેક્નિકલ વર્ગમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ પોતાની મિત્રતાની સુવર્ણજયંતીની ભવ્ય ઉજવણી કરી હતી.

આ પ્રસંગે ભાવનગર ઉપરાંત મુંબઈ, સુરત, વડોદરા સહિત વિદેશમાં સ્થાયી થયેલા મિત્રો પણ પરિવાર સાથે શાળાના પ્રાંગણમાં એકત્રિત થયા હતા. અંદાજે ૬૨થી ૬૩ વર્ષની વયે પહોંચેલા મિત્રોએ શાળાના જૂના દિવસો અને અભ્યાસકાળનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં.

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ નિવૃત્ત શિક્ષક આઈ. એસ. વાઘેલાની ઉપસ્થિતિ રહી હતી. તેમણે જૂની યાદોને જીવંત કરતાં વર્ગખંડમાં વિદ્યાર્થીઓની હાજરી પૂરી, પ્રાર્થના કરાવી અને ફરી એકવાર શિક્ષક તરીકે ક્લાસ લીધો હતો. આ દૃશ્યથી સૌ મિત્રો ભાવવિભોર બન્યા હતા.

આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ મનોજ ઠક્કર, અશોક પઢારિયા અને આચાર્ય પી. ડી. ગોહિલે આયોજનમાં સહયોગ આપ્યો હતો. નિવૃત્ત ઇન્સ્ટ્રક્ટરો રાઠોડ અને કણઝારાની પણ ઉપસ્થિતિ રહી હતી.

પાંચ દાયકાના સમયગાળામાં દિવંગત થયેલા શિક્ષકો, ટ્રસ્ટીઓ અને મિત્રોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ મિત્રવર્તુળના ૧૪ મિત્રો છેલ્લાં ૫૦ વર્ષથી સતત સંપર્કમાં રહ્યા છે. પરેશ શાહ, અજિતસિંહ જાડેજા, મહેશ કાકડિયા, ભરત પટેલ અને ભરત ભડિયાદ્રા સહિતના મિત્રોના પ્રયાસોથી આ યાદગાર સ્નેહમિલન સંપન્ન થયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande