


પોરબંદર, 05 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી
સેવા–2026’
અંતર્ગત ‘એક દિવસ, એક કલાક’ સાથે સ્વચ્છતા માટેના સંકલ્પને સાકાર કરવા શહેરના વાઘેશ્વરી
પ્લોટ સર્કલ ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ રાખવાના હેતુથી
યોજાયેલા આ અભિયાનમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો
ઉત્સાહપૂર્વક જોડાયા હતા. અભિયાન દરમિયાન વાઘેશ્વરી પ્લોટ સર્કલ તથા આસપાસના
વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા
માટે જરૂરી કામગીરી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ
કમિશનર ટી.સી. તીરથાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી, સેનિટેશન કમિટીના ચેરમેન વનરાજભાઈ
કેશવાલા, ક્રિષ્નાબેન
હિતલભાઈ રાજાણી, મીતાબેન
વિકાસભાઈ જોશી, સેનિટેશન
ઓફિસર જગદીશભાઈ ઢાંકી તેમજ સેનિટેશન શાખાના કર્મચારી અશ્વિનભાઈ વઢીયા સહિત
મહાનગરપાલિકાના કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા અભિયાનમાં
જોડાયેલા સૌએ જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તથા કચરો યોગ્ય જગ્યાએ જ નાખવા અંગે
નાગરિકોને જાગૃત કરવાનો સંદેશ આપ્યો હતો. ‘સ્વચ્છતા હી સેવા–2026 ’ અંતર્ગત
યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા સ્વચ્છતા માત્ર એક દિવસની કામગીરી નહીં પરંતુ સૌની
સામૂહિક જવાબદારી છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. પોરબંદર શહેરને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા
મહાનગરપાલિકા સાથે નગરજનો પણ સક્રિય રીતે જોડાય અને સ્વચ્છતાની કામગીરીમાં સહભાગી
બને તે માટે અપીલ કરવામાં આવી હતી. અને નાગરિકોની સહભાગિતાથી ‘એક દિવસ, એક કલાક’ની સ્વચ્છતા પહેલને સાર્થક
બનાવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya