


પાટણ, 05 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લામાં રાજ્ય મહેસૂલી મહામંડળના આદેશ બાદ રેવન્યુ તલાટી, કારકૂન અને નાયબ મામલતદાર સહિત લગભગ 300 મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. પડતર માંગણીઓ અંગે લાંબા સમયથી રજૂઆતો છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં કર્મચારીઓએ આ નિર્ણય લીધો છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ, એક મહિના અગાઉ એસીએસ દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી માંગણીઓનો ઉકેલ આવ્યો નથી.
કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં તલાટીઓના જોબ ચાર્ટમાંથી અન્ય કામગીરી દૂર કરવાની માંગનો સમાવેશ થાય છે. ઉપરાંત, વર્ષ 2012ના નાયબ મામલતદારોને બઢતી આપવા અને વર્ષ 2015ના કારકૂનોને તેમના વતન જિલ્લામાં બદલી આપવાની માંગ પણ લાંબા સમયથી પડતર છે. આ મુદ્દે કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત, છેલ્લા 10થી 20 વર્ષથી સિનિયોરિટી યાદી તૈયાર ન થવાને કારણે પણ કર્મચારીઓમાં રોષ છે. હર્ષદભાઈ પટેલે જણાવ્યું કે માંગણીઓ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પરિણામ મળ્યું નથી. જો સરકાર દ્વારા 7મી તારીખ સુધીમાં માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો કર્મચારીઓએ અનિશ્ચિતકાલીન હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ