
પાટણ, 05 ઓક્ટોબર (હિ.સ.)ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા નવા ભાડા વિધેયક-2026ના વિરોધમાં પાટણના વકીલોએ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશને પગલે પાટણ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના વકીલોએ કામકાજથી અળગા રહી વિરોધ નોંધાવ્યો છે. વકીલો દ્વારા વિધેયકમાં કરવામાં આવેલી જોગવાઈઓ અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.
વકીલ અગ્રણીઓના જણાવ્યા મુજબ, રેન્ટ એક્ટ હેઠળ કોર્ટ પાસે રહેલી કેટલીક ન્યાયિક સત્તાઓ હવે વહીવટી અધિકારીઓને સોંપવામાં આવી રહી છે. તેમના મતે, વહીવટી અધિકારીઓ પર પહેલાથી જ વિવિધ કામગીરીનો બોજ રહે છે, ત્યારે ભાડા સંબંધિત કેસોની જવાબદારી સોંપવાથી પક્ષકારોને ઝડપી ન્યાય મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. વકીલોનું કહેવું છે કે આ જોગવાઈ અસીલો તેમજ વકીલો બંનેના હિતોને અસર કરી શકે છે.
નવા ભાડા વિધેયકની જોગવાઈઓ રદ કરવા અથવા તેમાં જરૂરી સુધારા કરવાની માંગ સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ઠરાવ પસાર કર્યો છે. પાટણ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ સુભાષ ઠાકોરે જણાવ્યું હતું કે વિરોધના ભાગરૂપે બપોરે 3 વાગ્યે રામધૂન બોલાવવામાં આવશે. વકીલો દ્વારા માંગણીઓ સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ