ITI જામનગર ખાતે ડિજિટલ સાક્ષરતા, સાયબર સુરક્ષા સેમિનાર અને વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
જામનગર, 05 ઓક્ટોબર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) જામનગર ખાતે વરિષ્ઠ નાગરિકો માટે ડિજિટલ સાક્ષરતા અને સાયબર સુરક્ષા જાગૃતિ સેમિનાર તેમજ સંસ્થાના તાલીમાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આઈટીઆઈ જામનગર ખાતે સેમિનાર


જામનગર, 05 ઓક્ટોબર (હિ.સ.) :

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) જામનગર ખાતે વરિષ્ઠ નાગરિકો માટે ડિજિટલ સાક્ષરતા અને સાયબર સુરક્ષા જાગૃતિ સેમિનાર તેમજ સંસ્થાના તાલીમાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને વક્તાઓએ ડિજિટલ સુરક્ષા અને 'વિકસિત ભારત ૨૦૪૭' વિષય પર માર્ગદર્શન તથા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

જામનગર સ્થિત ITI ખાતે યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં વરિષ્ઠ નાગરિકો માટે ડિજિટલ સાક્ષરતા અને સાયબર સુરક્ષા અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સેમિનારમાં PSI હિતેશ ઝાલાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને ઓનલાઈન નાણાકીય છેતરપિંડી અને સાયબર ગુનાઓથી બચવાના વિવિધ ઉપાયો વિશે સરળ અને વ્યવહારુ માહિતી પૂરી પાડી હતી. તેમણે વરિષ્ઠ નાગરિકોને OTP ની ગોપનીયતા જાળવવા, ડિજિટલ પેમેન્ટ કરતી વખતે જરૂરી સાવચેતી રાખવા, અનધિકૃત અથવા શંકાસ્પદ ફોન કોલ અને મેસેજથી દૂર રહેવા તેમજ પોતાની વ્યક્તિગત માહિતીની સુરક્ષા કઈ રીતે સુનિશ્ચિત કરવી તે અંગે વિગતવાર સમજ આપી હતી.

આ ઉપરાંત, સંસ્થાના તાલીમાર્થીઓમાં સામાજિક જવાબદારી, વૈચારિક દ્રષ્ટિકોણ અને સર્જનાત્મક ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં આશરે ૧૫૦ જેટલા તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને 'વિકસિત ભારત ૨૦૪૭' વિષય પર પોતાની કલાત્મક પ્રતિભા તેમજ ઉત્કૃષ્ટ વિચારશક્તિનું પ્રદર્શન કર્યું હતું.

આ સમગ્ર આયોજન દરમિયાન વરિષ્ઠ નાગરિકો, ITIના તાલીમાર્થીઓ અને સમગ્ર સ્ટાફ પરિવારનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ જોવા મળ્યો હતો. ડિજિટલ જાગૃતિ અને તાલીમાર્થીઓની સર્જનાત્મકતાને બિરદાવતો આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande