
જામનગર, 05 ઓક્ટોબર (હિ.સ.) :
રાજ્યભરના મહેસૂલી વિભાગના વર્ગ-3ના કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓના વિરોધમાં સામૂહિક રજા (માસ સીએલ)નું એલાન આપતાં જામનગર જિલ્લામાં કલેક્ટર, પ્રાંત અને મામલતદાર કચેરીની સરકારી કામગીરી વ્યાપકપણે ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી સામાન્ય અરજદારોની મુશ્કેલીઓમાં ભારે વધારો થવાની શક્યતા છે.
લાંબા સમયથી રજૂઆતો કરવા છતાં પડતર માંગણીઓનો ઉકેલ ન આવતાં મહેસૂલી કર્મચારીઓએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. આ માસ સીએલના કારણે આવક, જાતિ, નોન-ક્રિમિલેયરના દાખલા, 7/12 અને 8-અના ઉતારા, ઈ-ધરા તેમજ જમીન માપણી જેવી દૈનિક મહત્વની સેવાઓ મેળવવામાં નાગરિકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી શકે તેમ છે. બીજી તરફ, કર્મચારીઓના આ નિર્ણય સામે રાજ્ય સરકારે પણ વલણ કડક બનાવ્યું છે.
અનિવાર્ય સંજોગો સિવાય રજા મંજૂર ન કરવા અને ફરજ પર ગેરહાજર રહેનાર કર્મચારીઓ સામે 'સેવા તૂટ' સહિતના કડક પગલાં ભરવાની ચીમકી પણ તંત્ર દ્વારા ઉચ્ચારવામાં આવી છે. હાલમાં સરકાર અને કર્મચારીઓ વચ્ચે સર્જાયેલા આ વિવાદના પરિણામે અરજદારો અટવાયા છે. હવે વહીવટી તંત્ર નાગરિકોની સગવડ માટે શું પર્યાય વ્યવસ્થા ઊભી કરે છે અને આગામી દિવસોમાં આ આંદોલન કેવું રૂપ ધારણ કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt