
નવસારી, 05 ઓક્ટોબર (હિ.સ.)-ચીખલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે પ્રધાનમંત્રી દિવ્યાંશા-વયોશ્રી કેન્દ્ર (PM-DVK)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રના કાર્યરત થવાથી નવસારી જિલ્લાના દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને તેમની જરૂરિયાત મુજબના સહાયક સાધનો તથા વિવિધ સેવાઓ કાયમી ધોરણે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બનશે.
આ કેન્દ્રની સ્થાપના નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના નેતૃત્વ અને સતત પ્રયાસોથી શક્ય બની હોવાનું જણાવાયું હતું. દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણને ધ્યાનમાં રાખીને કલેક્ટરે કેન્દ્ર વહેલી તકે શરૂ થાય તે માટે સતત અનુસરણ કર્યું હતું. ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળ કાર્યરત એલિમ્કોના સહયોગથી આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં આ પ્રકારનું નિઃશુલ્ક કેન્દ્ર અમદાવાદ, ભાવનગર અને આણંદ બાદ નવસારી જિલ્લાના ચીખલીમાં ચોથા કેન્દ્ર તરીકે કાર્યરત થયું છે.
એક જ સ્થળે વિવિધ સુવિધાઓ
PM-DVK કેન્દ્ર ખાતે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે જરૂરી સહાયક સાધનોનું સ્થળ પર જ મૂલ્યાંકન અને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત કૃત્રિમ અંગો અને ઓર્થોસિસ ફિટમેન્ટ, શ્રવણશક્તિની તપાસ તથા શ્રવણયંત્ર સંબંધિત સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે.
આ પ્રસંગે ચીખલી પ્રાંત અધિકારી નિશાંત કુગાશિયા, તાલુકા વિકાસ અધિકારી ભાવનાબેન, મામલતદાર હિરેનભાઈ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે