
પોરબંદર , 05 ઓક્ટોબર (હિ.સ.)સમુદ્રી જીવસૃષ્ટિનું રક્ષણ, મત્સ્ય સંવર્ધનને વેગ આપવા તેમજ
પરંપરાગત નાના માછીમારોની આજીવિકાના હિતોનું રક્ષણ કરવાના હેતુસર ગુજરાત
મત્સ્યોદ્યોગ અધિનિયમ-૨૦૦૩ની જોગવાઈઓ અંતર્ગત દરિયાકિનારાથી 5 (પાંચ) નોટિકલ માઈલ સુધીના વિસ્તારમાં
‘બોટમ ટ્રોલિંગ’ એટલે કે દરિયાના તળિયે જાળ ઘસડીને કરવામાં આવતી માછીમારી પર
પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આથી પોરબંદર જિલ્લાના તમામ માછીમારોને સૂચિત
કરવામાં આવે છે કે, કોઈપણ યાંત્રિક બોટ દ્વારા
દરિયાકિનારાથી 5
નોટિકલ માઈલની અંદરના વિસ્તારમાં બોટમ ટ્રોલિંગ કરી શકાશે નહીં. બોટમ ટ્રોલિંગના
કારણે દરિયાના તળિયે રહેલી વનસ્પતિ, નાના માછલાં તેમજ માછલીઓના ઈંડાં અને અન્ય સમુદ્રી જીવસૃષ્ટિને
નુકસાન થતું હોવાથી ભવિષ્યમાં મત્સ્ય ઉત્પાદન પર તેની ગંભીર અસર થઈ શકે છે. તેથી
માછીમારોએ આવી પ્રવૃત્તિથી સંપૂર્ણપણે દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પ્રતિબંધાત્મક આદેશનું ઉલ્લંઘન કરનાર બોટ
માલિકો તથા ખલાસીઓ સામે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003ની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી
કરવામાં આવશે.
સમુદ્રની સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિના સંરક્ષણ અને
માછીમારીના ટકાઉ વિકાસ માટે તમામ માછીમાર ભાઈઓને ઉપરોક્ત સૂચનાઓનું પાલન કરી
વહીવટી તંત્રને સહકાર આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya