સુરતમાં GJEPCની ‘ઉન્નતિ’ પહેલનો શુભારંભ, મહિલાઓને રત્ન-જ્વેલરી ક્ષેત્રે કૌશલ્ય તાલીમ મળશે
સુરત, 05 ઓક્ટોબર (હિ.સ.) : જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા રત્ન અને જ્વેલરી ક્ષેત્રે મહિલાઓને કૌશલ્ય, નેતૃત્વ અને સાહસિકતા માટે સક્ષમ બનાવવા સુરતથી ‘ઉન્નતિ’ પહેલનો શુભારંભ કરવામાં આવ્યો. વરાછા સ્થિત સરદાર સ્મૃતિ ભવન ખાત
સુરતમાં GJEPCની ‘ઉન્નતિ’ પહેલનો શુભારંભ


સુરત, 05 ઓક્ટોબર (હિ.સ.) : જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા રત્ન અને જ્વેલરી ક્ષેત્રે મહિલાઓને કૌશલ્ય, નેતૃત્વ અને સાહસિકતા માટે સક્ષમ બનાવવા સુરતથી ‘ઉન્નતિ’ પહેલનો શુભારંભ કરવામાં આવ્યો. વરાછા સ્થિત સરદાર સ્મૃતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મહિલાઓમાં રહેલી પ્રતિભા અને કાર્યક્ષમતાને યોગ્ય તક મળે તો તેઓ ઉદ્યોગ અને સંસ્થાઓનું સફળ સંચાલન કરી શકે છે. તેમણે કહ્યું કે ‘ઉન્નતિ’ પહેલ મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ બનશે. ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોની મહિલાઓને કૌશલ્ય તાલીમ આપી રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા સરકાર વધુ નારીલક્ષી યોજનાઓ અમલમાં મૂકશે.

રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રમાં મહિલાઓ માટે મોટી તકો છે અને નેતૃત્વ ક્ષમતા ધરાવતી મહિલાઓની વધુ ભાગીદારી જરૂરી છે.

GJEPCના ચેરમેન કિરીટ ભણસાલીએ જાહેરાત કરી કે 1,000 મહિલા રત્નકલાકારોને રૂ. 1 લાખ સુધીનું નિઃશુલ્ક મેડિકલ વીમા કવચ અને પરિચય કાર્ડ આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં 200થી વધુ મહિલાઓને જ્વેલરી ડિઝાઇનિંગ, ડાયમંડ પ્લાનિંગ, પોલિશિંગ અને રિટેલ વેચાણ સહિતના કૌશલ્યવર્ધક અભ્યાસક્રમોમાં તાલીમ આપવામાં આવશે.

GJEPCએ 2040 સુધીમાં ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રની નિકાસને 100 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય વ્યક્ત કર્યું છે. કાર્યક્રમ દરમિયાન મહિલા સશક્તિકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કંપનીઓ અને મહિલાઓને પ્રથમ ‘ઉન્નતિ એવોર્ડ્સ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં 1,100થી વધુ મહિલા ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગજગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande