
- આંબાની આધુનિક ખેતી અને ઉત્પાદન વધારવાની પદ્ધતિઓ વિશે માર્ગદર્શન અપાયું.
ગીર સોમનાથ, 05 ઓક્ટોબર (હિ.સ.) : તાલાલા ખાતે સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ફોર સબટ્રોપિકલ હોર્ટિકલ્ચર (CISH) અને સેન્ટર ઓફ એક્સલન્સ ફોર મેંગો તાલાલાના સંયુકત ઉપક્રમે વૈજ્ઞાનિકો અને ખેડૂતો વચ્ચે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં CISH લખનઉના ડિરેક્ટર ડૉ. ટી. દામોદરન, પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ ડૉ. એચ. એસ. સિંહ તથા ડૉ. આભા સિંહ સહિતના વૈજ્ઞાનિકોએ ઉપસ્થિત રહી આંબાની આધુનિક ખેતી પદ્ધતિઓ, ઉત્પાદન વધારવાની તકનીકો અને સ્માર્ટ ઓર્ચર્ડ મેનેજમેન્ટ અંગે ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
ખેડૂત સંવાદમાં ગીર સોમનાથ ઉપરાંત અમરેલી, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ અને મહેસાણા સહિતના જિલ્લાઓમાંથી પણ આંબાનું વાવેતર કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ સંવાદ થકી ખેડૂતોને આંબાની ખેતીમાં નવીન અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટે માર્ગદર્શન મળ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન કેનોપી મેનેજમેન્ટ અને સ્માર્ટ ઓર્ચર્ડ અને સ્માર્ટ ઓર્ચર્ડ વિષય પર ખેડૂતોને વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી. આંબાના બગીચામાં વૃક્ષની છત્ર વ્યવસ્થાપન પદ્ધતિ, પ્રકાશ અને હવાની યોગ્ય અવરજવર, વૃક્ષની ઉત્પાદકતા જાળવવા માટેની આધુનિક પદ્ધતિઓ તેમજ સ્માર્ટ ઓર્ચર્ડની સંકલ્પના અંગે વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
CISH લખનઉના ડૉ. એચ. એસ. સિંહ દ્વારા “જૂના આંબામાં ઉત્પાદન વધારવાની આધુનિક તકનીકો” વિષય પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જૂના અને ઓછું ઉત્પાદન આપતા આંબાના વૃક્ષોને ફરીથી ઉત્પાદક બનાવવા અંગે ખેડૂતોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
વૈજ્ઞાનિકો તથા ઉપસ્થિત અધિકારીઓના હસ્તે “મેંગો ટ્રી રિજુવેનેશન થ્રૂ ગ્રિડલિંગ એન્ડ સિવિરિંગ” નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રકારનું સાહિત્ય આંબા ઉત્પાદકો માટે આધુનિક બાગાયત તકનીકોને સમજવા અને ખેતરમાં તેનો વ્યવહારુ ઉપયોગ કરવા માટે મહત્વપૂર્ણ બની રહેશે.
આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના બાગાયત અધિકારીઓ કે. પી. સોજીત્રા, અસીત કે. ટાંક, વનવિભાગના ઉત્તમસિંહ મોરી, CoEના પ્રોજેક્ટ ઓફિસર અતિક મુલ્લા, વિજય બારડ, પ્રીતિબેન બારડ તથા મોહિત રામોલિયા સહિતના અધિકારીઓ- કર્મચારીઓ અને મેટા એગ્રોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ