
- કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
ગીર સોમનાથ, 05 ઓક્ટોબર (હિ.સ.) : 'સેવા સંકલ્પ અભિયાન'ની ઊજવણી અંતર્ગત તા.07 ઓક્ટોબરના રોજ પ્રભાસ પાટણના સદભાવના મેદાન ખાતે 'વિકાસ જ્યોતિ યાત્રા'નો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ સમગ્ર કાર્યક્રમના સુનિયોજીત આયોજન અંગે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી.
જિલ્લા સેવા સદનના સંકલન હોલમાં કાર્યક્રમના સુચારૂ આયોજનના ભાગરૂપે સંબંધિત અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં કલેક્ટએ સ્થળ પરની વ્યવસ્થાઓ, આયોજન તેમજ વિવિધ તબક્કે યોજાનારી પ્રવૃત્તિઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.
વિકાસ જ્યોતિ યાત્રા'ને સફળ બનાવવા માટે જરૂરી વ્યવસ્થાઓ અંગે સંબંધિત અધિકારીઓને કલેક્ટરએ માર્ગદર્શિત કર્યા હતાં.
નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે કાર્યક્રમના સ્થળ પર બેઠક વ્યવસ્થા, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીઓ, પાર્કિંગ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા, ફૂડ પેકેટ, પીવાના પાણી સહિત સેવા જયોતિ યાત્રાના પ્રસ્થાન થી અંત સુધીની આનુસાંગિક વ્યવસ્થાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, 'વિકાસ જ્યોતિ યાત્રા' કાર્યક્રમ અંતર્ગત સદભાવના મેદાન થી સોમનાથ પાર્કિંગ સુધી, સદભાવના મેદાન થી કાજલી એ.પી.એમ.સી. સુધી અને સદભાવના મેદાન થી સરોવર પોર્ટિકોના મેદાન સુધી ત્રણ રથયાત્રા યોજાશે, તેમજ જિલ્લામાં વિવિધ સ્થળોએ સર્કલ ડેવલપ કરવા માટે ભૂમિપૂજન અને ખાતમુહૂર્તના કાર્યક્રમો પણ યોજાશે. આ કાર્યક્રમમાં વિવિધ સમાજ-સંસ્થાઓ, અગ્રણીઓ અને નાગરિકો પણ જોડાવાના છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા સહિત શિક્ષણ, પાણી પુરવઠા, વાહનવ્યવહાર, વનવિભાગ વગેરે સંલગ્ન વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ