


પોરબંદર, 05 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ
રતનપર ગામ ખાતે નાગરિકોને પીવાનું પાણી નિયમિત અને સુવિધાજનક રીતે મળી રહે તે માટે
નવા હેડવર્કસના નિર્માણની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કામગીરીનું
શુભારંભ વોટર વર્કસ સમિતિના ચેરમેન લખનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું
હતું.
રતનપર વિસ્તારમાં પાણીની સુવિધાને વધુ સુદૃઢ બનાવવા માટે હેડવર્કસ અંતર્ગત 2 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતા સંપ
તેમજ 1 લાખ
લીટર પાણીની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવશે. આ બંને
સુવિધાઓના નિર્માણથી પાણીના સંગ્રહ અને વિતરણની વ્યવસ્થા વધુ કાર્યક્ષમ બનશે તેમજ
રતનપર વિસ્તારના નાગરિકોને પીવાના પાણીની સુવિધા વધુ સુગમ બનશે. આ હેડવર્કસની
કામગીરી પૂર્ણ થયા બાદ રતનપર વિસ્તારના આશરે 4000 લોકોને પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ
થઈ શકશે. પાણીના પૂરતા સંગ્રહ માટે સંપ અને પાણીની ટાંકીની સુવિધા ઉપલબ્ધ થતાં
પાણી વિતરણ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવામાં મદદ મળશે.
હેડવર્કસની આ કામગીરી અંદાજે4 માસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
રાખવામાં આવ્યો છે. કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તેમજ બાંધકામની ગુણવત્તા
જળવાઈ રહે તે માટે સંબંધિત શાખા દ્વારા જરૂરી દેખરેખ રાખવામાં આવશે. આ પ્રસંગે
વોટર વર્કસ સમિતિના ચેરમેન લખન મોઢવાડિયા, વોર્ડ નં. 13 ના કાઉન્સિલરો હિરલબેન ભૂતિયા, પ્રતાપભાઈ ઓડેદરા, રાહુલભાઈ ચુડાસમા અને ઉષાબેન કારાવદરા, વોટર વર્કસ શાખાના નાયબ કાર્યપાલક
ઈજનેર નીલેશભાઈ કડછા સહિતના પ્રતિનિધિઓ, અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત
રહ્યા હતા. રતનપર ખાતે હેડવર્કસની આ નવી સુવિધા કાર્યરત થયા બાદ વિસ્તારના
નાગરિકોને પીવાના પાણી માટે વધુ સુદૃઢ માળખાકીય સુવિધા ઉપલબ્ધ થશે.
પોરબંદર
મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તાર ઉપરાંત નવા સમાવિષ્ટ વિસ્તારોમાં પણ પાણી
સહિતની પાયાની નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ કામગીરી મહત્વપૂર્ણ
સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya