
જામનગર, 05 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના ધરાનગર-૨ વિસ્તારમાં સાત નાળા નજીક રેલવે પાટા પર નશાની હાલતમાં ઊભેલા ૩૫ વર્ષીય યુવકને ટ્રેને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ યુવકને તાત્કાલિક સારવાર અર્થે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મૃત્યુ નિપજ્યું છે.
ઘટનાની વિગતો અનુસાર, ધરાનગર-2 માં દાતારી પાન હાઉસ પાસે રહેતા ફીરોજ મામદભાઈ ચના (35) નશાની ટેવ ધરાવતા હતા. તારીખ 3 ઓક્ટોબરના રોજ સાંજે આશરે છ વાગ્યાના સુમારે તેઓ સાત નાળા પાસે રેલવે પાટા પર નશાની હાલતમાં ઊભા હતા. તે દરમિયાન અચાનક આવી પહોંચેલી ટ્રેનની ઝપટે ચડી જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ફીરોજભાઈને માથા તેમજ પેટના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી.
સ્થાનિકો અને પરિજનો દ્વારા તેમને તુરંત જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકને જાણ કરાતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt