
જામનગર, 05 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડના જીવાપર રોડ પર આવેલી મોમાઈ કોલોની વિસ્તારમાં ભેંસો ચરાવવાની નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ભેંસો દૂર ચરાવવાનું કહેતા ઉશ્કેરાયેલા યુવક અને તેના અન્ય સાથીદારોએ મળીને એક મજૂર પર લાકડી તથા લોખંડના પાઇપ વડે હિંસક હુમલો કરી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો.
કાલાવડના જીવાપર રોડ પર રહેતા અને વાડીએ મજૂરી કામ કરતા 42 વર્ષીય તરશીભાઈ ઉર્ફે તુલશીભાઈ બચુભાઈ પાટડીયા પોતાની વાડીએ હતા, ત્યારે તેજસુર ગઢવી નામનો યુવક ત્યાં ભેંસો ચરાવવા આવ્યો હતો. તરશીભાઈએ ભેંસોને દૂર ચરાવવા માટે જણાવતા જ તેજસુર ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપીને તેમને લાફો ઝીંકી દીધો હતો.
આ ઘટના બાદ તરશીભાઈ પોતાના ઘરે પહોંચ્યા ત્યારે રાજકરણ રાયધન માલાણી, કીલાણ દેવુભાઈ ઘોડા અને વિજય હરભમભાઈ ઘોડા ત્યાં ધસી આવ્યા હતા. ત્રણેય શખ્સોએ અમારા ભાઈ સાથે કેમ ઝઘડો કરે છે? તેમ કહી ગાળાગાળી કરી કુંડળીવાળી લાકડી અને લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો વડે તરશીભાઈ પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં તરશીભાઈના જમણા પગમાં ગંભીર ફ્રેક્ચર થઈ ગયું હતું અને માથા તેમજ કાનના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પાંચ ટાંકા આવ્યા હતા. હુમલાખોરો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.
આ અંગે કાલાવડ ટાઉન પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt