જૂનાગઢ જિલ્લામાં ૫૦૦થી વધુ શાળાઓમાં ‘ડિઝાસ્ટર સેફ્ટી ટ્રેનિંગ’ કાર્યક્રમનો પ્રારંભ
જુનાગઢ, 05 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA), ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જનજાગૃતિ અને સજ્જતા વધારવાના હેતુથી ૫૦૦થી વધુ શાળાઓ સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘ડિઝાસ્ટર સેફ્ટી ટ્ર
જૂનાગઢ જિલ્લામાં ૫૦૦થી વધુ શાળાઓમાં ‘ડિઝાસ્ટર સેફ્ટી ટ્રેનિંગ


જુનાગઢ, 05 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA), ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જનજાગૃતિ અને સજ્જતા વધારવાના હેતુથી ૫૦૦થી વધુ શાળાઓ સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘ડિઝાસ્ટર સેફ્ટી ટ્રેનિંગ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને આઈ.ટી.આઈ.માં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને આપત્તિ સમયે સલામતીના પગલાં અને તાત્કાલિક પ્રતિસાદ અંગે તાલીમ આપવામાં આવશે.

તાલીમ દરમિયાન ભૂકંપ, આગ, ભારે વરસાદ અને પૂર, વાવાઝોડું જેવી આપત્તિઓ સમયે શું કરવું અને શું ન કરવું, સલામત સ્થળે સ્થળાંતર, ઈમરજન્સી એક્ઝિટ, એસેમ્બલી પોઈન્ટ વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

આ ઉપરાંત ફાયર સેફ્ટી, ફર્સ્ટ એઇડ, CPR, સર્ચ એન્ડ રેસ્ક્યુ, રોડ સેફ્ટી અને ઈવેક્યુએશન ડ્રિલ જેવી બાબતોની પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓમાં મોકડ્રિલ યોજીને આપત્તિના સમયે વિદ્યાર્થીઓ અને સ્ટાફ કેવી રીતે સંકલિત રીતે કામગીરી કરી શકે તે અંગે પ્રત્યક્ષ સમજ આપવામાં આવશે.

આ સમગ્ર તાલીમ કાર્યક્રમ જૂનાગઢ જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓના વાર્ષિક શૈક્ષણિક કેલેન્ડરને ધ્યાનમાં રાખીને તા. ૦૧/૧૦/૨૦૨૬ થી તા. ૨૮/૦૨/૨૦૨૭ સુધી ‘ડિઝાસ્ટર સેફ્ટી ટ્રેનિંગ કેલેન્ડર મોડ્યુલ’ અંતર્ગત તબક્કાવાર હાથ ધરવામાં આવશે. કાર્યક્રમમાં સંબંધિત વિભાગો, સ્થાનિક ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ તથા તાલીમકારોના સહયોગથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.

૫૦૦થી વધુ શાળાઓ સુધી પહોંચતા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં આપત્તિ અંગે જાગૃતિ વધારવા ઉપરાંત આપત્તિના સમયે શાંત રહીને યોગ્ય નિર્ણય લેવાની અને પોતાની તથા અન્યની સુરક્ષા કરવાની ક્ષમતા વિકસાવવાનો છે. આ પ્રકારની તાલીમથી શૈક્ષણિક સંસ્થાઓમાં આપત્તિ સામેની પૂર્વ તૈયારી વધુ મજબૂત બનશે અને જાનમાલનું નુકસાન ઘટાડવામાં મદદરૂપ થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande