આડેસરમાં પોલીસનું મેગા કોમ્બિંગ: 35 પ્રાણઘાતક હથિયારો જપ્ત, 21 વાહનો ડિટેઈન
કચ્છ, 05 ઓક્ટોબર (હિ.સ.) : ભચાઉ ડિવિઝન પોલીસે આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા તેમજ ગેરકાયદેસર હથિયારો અંગેની માહિતીના આધારે રાત્રિના સમયે સઘન કોમ્બિંગ અને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસની આ કામગીરી દરમિયા
પોલીસ કોમ્બિંગ


પોલીસ કોમ્બિંગ


કચ્છ, 05 ઓક્ટોબર (હિ.સ.) : ભચાઉ ડિવિઝન પોલીસે આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા તેમજ ગેરકાયદેસર હથિયારો અંગેની માહિતીના આધારે રાત્રિના સમયે સઘન કોમ્બિંગ અને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસની આ કામગીરી દરમિયાન વિવિધ પ્રકારના કુલ 35 પ્રાણઘાતક હથિયારો મળી આવતા તેને કબજે કરવામાં આવ્યા છે. ઉપરાંત મોટર વાહન કાયદા હેઠળ 21 વાહનો ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાની આગેવાની હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ હથિયાર સંબંધિત તેમજ શરીર સંબંધિત ગુનાઓ નોંધાયેલા વિસ્તારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિવિધ ગામોમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

કોમ્બિંગ દરમિયાન અગાઉના ગુનાઓમાં સંડોવાયેલા અથવા પોલીસ રેકોર્ડમાં નોંધાયેલા વ્યક્તિઓ તેમજ શંકાસ્પદ જણાતા ઇસમોની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ માર્ગો પર વાહન ચેકિંગ હાથ ધરી કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 18 શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી, જ્યારે કુલ 39 વાહનોને ચેક કરવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા હથિયારોમાં સાત ધારદાર છરી, 15 ધારિયા, ત્રણ છરા-ધારિયા, ચાર કટાર, સાત તલવાર, એક ગુપ્તિ અને ત્રણ લાકડીઓનો સમાવેશ થાય છે. આ તમામ મળીને કુલ 35 હથિયારો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

વાહન ચેકિંગ દરમિયાન મોટર વ્હીકલ એક્ટની કલમ 207 હેઠળ 21 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ 15 કેસ કરવામાં આવ્યા હોવાનું પણ પોલીસ દ્વારા જણાવાયું છે.

આ સમગ્ર કાર્યવાહી માટે ભચાઉ ડિવિઝનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની કુલ 76 સભ્યોની ટીમ કાર્યરત રહી હતી. તેમાં એક ડીવાયએસપી, છ પોલીસ ઇન્સ્પેક્ટર, ચાર પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મચારીઓનો સમાવેશ થયો હતો. ભચાઉ, સામખિયાળી, રાપર, બાલાસર સહિતના પોલીસ સ્ટેશનોના અધિકારીઓ અને સ્ટાફે પણ આ કામગીરીમાં ભાગ લીધો હતો.

આડેસર વિસ્તારમાં હાથ ધરાયેલી આ સઘન તપાસ બાદ પોલીસે જપ્ત કરાયેલા હથિયારો તથા અન્ય કાર્યવાહી અંગે આગળની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande