રાપરના પીરવાળા ડેમ પાસે દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ, રૂ.1.02 લાખનો મુદ્દામાલ જપ્ત
કચ્છ, 05 ઓક્ટોબર (હિ.સ.) : અંજાર તાલુકાના રાપર (ખોખરા) વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે અંજાર પોલીસે દરોડો પાડી રૂ.1.02 લાખથી વધુનો પ્રોહિબિશન સંબંધિત મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન દેશી દારૂ
દેશી દારૂ કેસના આરોપીઓ


કચ્છ, 05 ઓક્ટોબર (હિ.સ.) : અંજાર તાલુકાના રાપર (ખોખરા) વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે અંજાર પોલીસે દરોડો પાડી રૂ.1.02 લાખથી વધુનો પ્રોહિબિશન સંબંધિત મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન દેશી દારૂ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલો આથો, ભરેલા કેરબા સહિતની સામગ્રી મળી આવતા સ્થળ પરથી ત્રણ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના અનુસાર જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા અને તેમની ટીમ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગ તથા બાતમીદારો મારફતે માહિતી એકત્રિત કરવામાં આવી રહી હતી.

આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રાપર ગામ નજીક આવેલા પીરવાળા ડેમની પાળ પાસે બાવળની ઝાડીઓમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા દેશી દારૂ બનાવવાની પ્રક્રિયા સાથે સંકળાયેલી સામગ્રી મળી આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ કાર્યવાહી દરમિયાન મોહનસિંહ ગેમુભા ચાવડા ઉંમર 52 વર્ષ, સાજણભાઈ કારાભાઈ મકવાણા ઉંમર 55 વર્ષ અને વિજય બાબુભાઈ વડેચા ઉંમર 30 વર્ષ, ત્રણેય રહે. રાપર (ખોખરા), તાલુકો અંજાર, સામે કાર્યવાહી કરવામાં આવી છે.

દરોડામાં આશરે 200 લીટર દેશી દારૂ બનાવવાનો ગરમ આથો, 5 લીટર ઠંડો આથો તેમજ 20-20 લીટરના ભરેલા 18 કેરબા મળી આવ્યા હતા. આ ઉપરાંત લોખંડના ખાલી બેરલ પર ઢાંકણ તરીકે ઉપયોગમાં લેવાતા એલ્યુમિનિયમના ગમેલા અને અન્ય સાધનો પણ કબજે કરવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂ.1,02,200 હોવાનું જણાવ્યું છે.

આ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર નંબર 11993003231335/26 હેઠળ પ્રોહિબિશન કલમ 65(બી), 65(સી), 65(ઈ), 65(એફ) અને 81 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે તેમજ આવી પ્રવૃત્તિ સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande