જામનગરની નાઘેડી જીઆઈડીસીમાં એસએમસીનો દરોડો : રૂ.37.21 લાખનો અંગ્રેજી દારૂ ઝડપાયો
જામનગર, 05 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના નાઘેડી જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ની ટીમે દરોડો પાડી પ્લાસ્ટિકના દાણાની આડમાં ચાલતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રૂ. 37.21 લાખની કિંમતની દારૂની 10,409 બોટલો સહિત કુલ ર
જામનગર દારૂ


જામનગર, 05 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના નાઘેડી જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ની ટીમે દરોડો પાડી પ્લાસ્ટિકના દાણાની આડમાં ચાલતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રૂ. 37.21 લાખની કિંમતની દારૂની 10,409 બોટલો સહિત કુલ રૂ. 1.37 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે સ્થળ પરથી બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી સહિત અન્ય 9 શખ્સોની શોધખોળ શરૂ કરાઈ છે.

ગૃહ વિભાગ અને એસએમસી ગાંધીનગરની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે 4 ઓક્ટોબર 2026ના વહેલી સવારે 4:35 વાગ્યે નાઘેડી જીઆઈડીસીના ખુલ્લા રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ વેળાએ બંધ બોડીના ટ્રકમાંથી ગેરકાયદે વિદેશી દારૂનું કટીંગ થઈ રહ્યું હતું. તપાસ દરમિયાન વાહનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ 10,409 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 37,21,848 આંકવામાં આવી છે.

દારૂનો આ જથ્થો છુપાવવા માટે આરોપીઓએ પ્લાસ્ટિકના દાણાની આડ લીધી હતી. ટ્રકમાં કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ઇનવોઈસ ધરાવતા રૂ.65.24 લાખની કિંમતના પ્લાસ્ટિકના દાણાના 24 બોક્સ મૂકવામાં આવ્યા હતા. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત કટીંગમાં વપરાયેલો એક ટાટા બંધ બોડી ટ્રક, અશોક લેલેન્ડ બડા દોસ્તના બે વાહનો, બે ટુ-વ્હીલર, ચાર મોબાઈલ ફોન, તાલપત્રી અને રૂ. 12,030 રોકડા મળીને કુલ રૂ. 1,37,58,491નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

દરોડા દરમિયાન જામનગરના દીપક ઉર્ફે અટાપટુ જમનાદાસ જેઠવાણી અને નાઘેડીના યુવરાજસિંહ કાળુભા ચુડાસમાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં વિદેશી દારૂનો આ મોટો જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધાર તરીકે રામ ઉર્ફે રામકો જીવાભાઈ મોઢવાડીયા હોવાનું ખૂલ્યું છે. આ ઉપરાંત કાના જીવાભાઈ મોઢવાડીયા, ઈરફાન કાસમ કાટેલીયા, જિજ્ઞેશ ઉર્ફે જીગો વિનોદ ખિચડા, ટ્રક ડ્રાઈવર અસ્પાક, ક્લીનર રાહુલ રઝાક અને વાહન માલિકો સહિત 9 આરોપીઓ હાલ ફરાર છે.

આ તમામ આરોપીઓ સામે એકબીજાના મેળાપીપણામાં સંગઠિત રીતે ગુજરાતમાં પ્રતિબંધિત દારૂ ઘૂસાડવા અને વેચાણનું કાવતરું રચવાનો આક્ષેપ છે. જામનગરના પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત નશાબંધી અધિનિયમની કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 111(2)(બી), 111(3) અને 111(4) હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande