
જામનગર, 05 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ૭.૦ કિલોમીટર લંબાઈ ધરાવતા વાંકીયા થી ખંભાલિડા માર્ગની સપાટી સુધારણા અને નવીનીકરણની કામગીરીનું ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૪૦૦.૦૦ લાખના ખર્ચે મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટથી લાંબા સમયથી ખરાબ રસ્તાની સમસ્યા ભોગવતા ગ્રામજનો અને વાહનચાલકોને મોટી રાહત મળશે.
આ રસ્તો ખંભાલિડા અને વાંકીયા ગામને જોડવાની સાથે તાલુકા મુખ્ય મથકે જવા માટે પણ મુખ્ય માર્ગ પૂરો પાડે છે. સપાટી અતિશય ખરાબ થઈ ગઈ હોવાના કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. આ નવીનીકરણ કામગીરી હેઠળ ડામર કામ, ૮૭૦ મીટર સી.સી. રોડ, પ્રોટેક્શન વોલ, ક્રેશ બેરિયર તેમજ રોડ ફર્નિચર જેવી જરૂરી સુવિધાઓ તૈયાર કરવામાં આવશે.
પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કે.બી. છૈયા તથા નાયબ કાર્યપાલક ઈજનેર આર.આર. મુલિયાણા દ્વારા આ કામગીરી સત્વરે હાથ ધરીને ઝડપથી પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ગનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં જ ખંભાલીડા અને વાંકીયા ગામના લોકો તેમજ ધ્રોલ તરફ આવતા-જતા તમામ વાહનચાલકોને વધારે આરામદાયક, ઝડપી અને સુરક્ષિત મુસાફરીનો લાભ પ્રાપ્ત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt