
પાટણ, 06 ઓક્ટોબર (હિ.સ.) ચાણસ્મા શહેરમાં મામલતદાર કચેરી અને નગરપાલિકાના સહયોગથી શહેરી કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. શારદાબા હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નગરજનોને વિવિધ સરકારી સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ચાણસ્મા શહેરના અરજદારો સવારથી જ જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહ્યા હતા. આવકના દાખલા, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ પાન કાર્ડમાં સુધારા-વધારા સહિતના વિવિધ સરકારી કામો માટે અરજદારોને માર્ગદર્શન અને સેવા આપવામાં આવી હતી.
આ સેવા સેતુ કાર્યક્રમમાં આઇસીડીએસ, આરોગ્ય વિભાગ, વન વિભાગના કર્મચારીઓ, આશા વર્કર બહેનો તેમજ મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરોએ અરજદારોને જરૂરી સહાય પૂરી પાડી હતી. મામલતદાર વી.એસ. ગઢવી અને ચીફ ઓફિસર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ