
ભાવનગર, 06 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કળસાર ગામે આવેલી શ્રી કળસાર કન્યા પ્રાથમિક શાળાના ઇનોવેટિવ શિક્ષક રાજુભાઈ મકવાણાએ વિદ્યાર્થીનીઓની હાજરી વધારવા માટે અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. માત્ર માચીસના ખાલી બોક્સ અને વિદ્યાર્થીનીઓના ફોટાનો ઉપયોગ કરીને તેમણે અનોખું હાજરી પત્રક તૈયાર કર્યું છે. આ પત્રકમાં વિદ્યાર્થીનીઓ પોતાની હાજરી જાતે નોંધાવી શકે છે.
શાળામાં અભ્યાસ કરતી મોટાભાગની વિદ્યાર્થીનીઓ ખેતમજૂર પરિવારોમાંથી આવે છે. જેના કારણે કેટલીક વિદ્યાર્થીનીઓની હાજરી અનિયમિત રહેતી હતી. અગાઉ નિયમિત હાજરી માટે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન અને ઇનામ આપવાની પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી, પરંતુ અપેક્ષા મુજબનો ફેરફાર જોવા મળ્યો ન હતો.
આ પરિસ્થિતિમાં શિક્ષક રાજુભાઈ મકવાણાએ વિદ્યાર્થીનીઓમાં પોતાની હાજરી પ્રત્યે જવાબદારી અને ઉત્સાહ વધે તેવો વિચાર કર્યો. આ માટે વિદ્યાર્થીનીઓએ પોતાના ઘરેથી માચીસના ખાલી બોક્સ એકત્ર કર્યા હતા. દરેક વિદ્યાર્થીનીના ફોટા સાથે તેનું નામ બોક્સ પર લગાવવામાં આવ્યું છે.
સવારે શાળાએ આવતી વિદ્યાર્થીની પોતાના નામ અને ફોટાવાળું બોક્સ ખેંચીને પોતાની હાજરી નોંધાવે છે. આ સમગ્ર પ્રવૃત્તિમાં શાળાએ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી. નકામી ગણાતા માચીસના બોક્સના સર્જનાત્મક ઉપયોગથી વિદ્યાર્થીનીઓમાં ઉત્સાહ વધ્યો છે અને શાળામાં નિયમિત હાજરીમાં પણ સુધારો જોવા મળ્યો છે.
રાજુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી પોતે પોતાની હાજરી નોંધાવે તો તેમાં અંદરથી ઉત્સાહ અને જવાબદારીની ભાવના વિકસે છે. આ વિચારથી આ અનોખું હાજરી પત્રક તૈયાર કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA