
ભાવનગર,06 ઓક્ટોબર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલ મુસાફરો, માર્ગ વપરાશકર્તાઓ તેમજ રેલ પરિચાલનની સુરક્ષાને પ્રાથમિકતા આપીને સમપાર ફાટકોની સુરક્ષા વ્યવસ્થાને સતત આધુનિક બનાવવામાં આવી રહી છે. આ ક્રમમાં મંડળના સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા 04 સમપાર ફાટકો પર જૂના તથા ઓવરએજ્ડ મિકેનિકલ લિફ્ટિંગ બેરિયર્સને આધુનિક ઇલેક્ટ્રિકલ લિફ્ટિંગ બેરિયર્સથી બદલવામાં આવ્યા છે તેમજ તેમાં સ્લાઇડિંગ બૂમની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.
આ કામગીરી મંડળ રેલ પ્રબંધક, ભાવનગર મંડળ દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ તથા વરિષ્ઠ મંડળ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર (Sr. DSTE) એચ. એસ. આર્યાના નેતૃત્વ અને દેખરેખ હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
આ આધુનિક વ્યવસ્થા અંતર્ગત LC-10 ‘C’ જાલિયા સ્ટેશન યાર્ડ ખાતે 24 ઓગસ્ટ 2026ના રોજ, LC-40 લીલિયા મોટા સ્ટેશન યાર્ડ ખાતે 09 સપ્ટેમ્બર 2026ના રોજ, LC-64 સાવરકુંડલા સ્ટેશન યાર્ડ ખાતે 01 ઓક્ટોબર 2026ના રોજ તથા LC-82 ગાધકડા સ્ટેશન યાર્ડ ખાતે 05 ઓક્ટોબર 2026ના રોજ ઇલેક્ટ્રિકલ લિફ્ટિંગ બેરિયર તથા સ્લાઇડિંગ બૂમની સુવિધા શરૂ કરવામાં આવી છે.
આ આધુનિક ઇલેક્ટ્રિકલ લિફ્ટિંગ બેરિયર્સ તથા સ્લાઇડિંગ બૂમના ઉપયોગથી સમપાર ફાટકોનું સંચાલન વધુ સરળ, સુરક્ષિત અને વિશ્વસનીય બનશે તથા માર્ગ વપરાશકર્તાઓ માટેની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત થશે. સ્લાઇડિંગ બૂમની સુવિધાથી ફાટકના સંચાલનમાં વધુ સુગમતા પ્રાપ્ત થશે તેમજ માર્ગ વાહન વ્યવહાર માટે રાહ જોવાનો સમય અને બિનજરૂરી ડિટેન્શન ઘટાડવામાં મદદ મળશે, જેના પરિણામે રેલ તથા માર્ગ વાહનવ્યવહારના સુચારુ સંચાલનને પ્રોત્સાહન મળશે.
ભાવનગર મંડળ દ્વારા આધુનિક ટેકનોલોજીના માધ્યમથી સુરક્ષા વ્યવસ્થાઓને સતત વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે અને સમપાર ફાટકો પર ઇલેક્ટ્રિકલ લિફ્ટિંગ બેરિયર તથા સ્લાઇડિંગ બૂમની સુવિધા મુસાફરો, માર્ગ વપરાશકર્તાઓ તેમજ રેલ પરિચાલન માટે સુરક્ષિત અને વિશ્વસનીય વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારના તકનીકી અપગ્રેડેશનથી સમપાર ફાટકોના સંચાલનની કાર્યક્ષમતા વધવાની સાથે રેલ પરિચાલનમાં સુગમતા અને સમયપાલનને પણ પ્રોત્સાહન મળશે.
ભાવનગર મંડળ દ્વારા “સુરક્ષા પ્રથમ, હંમેશા પ્રથમ”ના સંકલ્પને અનુરૂપ આધુનિક ટેકનોલોજી તથા વધુ સારી કાર્યપદ્ધતિઓ અપનાવીને રેલ મુસાફરો અને સામાન્ય જનતા માટે સુરક્ષિત, સુગમ અને વિશ્વસનીય રેલ સેવાઓ સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ