
- અત્યારસુધી મેડિકલ કેટેગરી સહિત કુલ 15 હજાર ઉપરાંતના કેસોમાં પશુચિકિત્સા સંબંધિત કામગીરી કરવામાં આવી
રાજપીપળા,06 ઓકટોબર (હિ.સ.) ગુજરાત સરકારના પશુપાલન વિભાગ તથા EMRI Green Health Servicesના સંકલનથી નર્મદા જિલ્લામાં કાર્યરત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે 6 ઓક્ટોબર,2026ના રોજ નવ વર્ષ પૂર્ણ કર્યા છે.
નર્મદા જિલ્લામાં કાર્યરત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ અબોલ પશુ-પક્ષીઓ માટે તાત્કાલિક સારવારની સુવિધા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કોઈપણ પશુ કે પક્ષીને ઈમરજન્સી સારવારની જરૂરિયાત હોય ત્યારે 1962 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરતાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી જરૂરી પશુચિકિત્સાકીય સારવાર પૂરી પાડે છે.
નર્મદા જિલ્લામાં છેલ્લા નવ વર્ષ દરમિયાન કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા વિવિધ પ્રકારની પશુચિકિત્સાકીય સેવાઓ પૂરી પાડવામાં આવી છે. જેમાં મેડિકલ કેટેગરી હેઠળ 6,815 કેસ, મેડિકલ સપ્લાયના 128 કેસ, સર્જિકલના 58 કેસ તથા ગાયનેકોલોજીકલનો 1 કેસ સહિત કુલ 15,805 કેસોમાં પશુચિકિત્સા સંબંધિત કામગીરી કરવામાં આવી છે.
નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે નાંદોદ તાલુકા પશુપાલન અધિકારી ડો.વસિમભાઈની ઉપસ્થિતિમાં શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની સેવા સાથે જોડાયેલા સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ વેળાએ નર્મદા જિલ્લાના 108ના અધિકારી પ્રવીણ વસાવા, નર્મદા જિલ્લાના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અજય ચૌધરી સહિત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ