
બોટાદ, 06 ઓક્ટોબર (હિ.સ.) બોટાદ શહેરના તાજપર રોડ ખાતે ARTO વિભાગ, બોટાદ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ સલામતીલક્ષી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. માર્ગ પર અકસ્માતની સંભાવના ઘટાડવા તેમજ વાહનચાલકો અને રાહદારીઓની સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી અધિકારીઓ દ્વારા માર્ગના વિવિધ વિસ્તારોનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન અકસ્માત સંભાવિત બ્લેક સ્પોટ તેમજ બ્લાઇન્ડ સ્પોટની ઓળખ કરી આવા જોખમી વિસ્તારોમાં જરૂરી સુધારાત્મક કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. માર્ગ પર વાહનચાલકોને પૂરતી દૃશ્યતા મળી રહે તે માટે માર્ગની આસપાસ ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા દૂર કરવા અંગે સૂચનો આપવામાં આવ્યા હતા. ઉપરાંત, વાહનચાલકોને માર્ગની સ્થિતિ અને સંભવિત જોખમોની જાણકારી મળી રહે તે માટે જરૂરી ટ્રાફિક સાઇનેજ તેમજ માર્ગ સલામતી સંકેતો સ્થાપિત કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
માર્ગ પર અકસ્માતની સંભાવના ધરાવતા સ્થળોએ જરૂરી તકેદારીના પગલાં લેવા તેમજ વાહનચાલકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સંબંધિત તંત્ર સાથે સંકલન કરીને જોખમી વિસ્તારોમાં જરૂરી સુધારાત્મક કામગીરી સમયસર હાથ ધરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કામગીરીના પરિણામે માર્ગ પર સલામતીમાં વધારો થાય અને અકસ્માતોની સંભાવના ઘટે તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA