
પોરબંદર, 06 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર શહેરમાં રખડતા ઢોરના ત્રાસ વચ્ચે હવે શેરી-ગલીઓમાં રખડતા શ્વાનનો ઉપદ્રવ પણ વધતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે.શહેરમાં ડોગ બાઇટના બનાવો સતત વધી રહ્યા હોવાના કારણે સરકારી હોસ્પિટલમાં શ્વાન કરડવાના બનાવ બાદ ઇન્જેક્શન લેવા આવતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
રખડતા શ્વાન મુખ્ય રસ્તાઓ પર વાહનોની પાછળ દોડતા હોવાથી અકસ્માતના બનાવો બનતા હોવાની પણ ફરિયાદો છે.રખડતા શ્વાનના ત્રાસ અંગે અગાઉ અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નક્કર કામગીરી કરવામાં આવીન હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.જોકે, પોરબંદર મહાનગરપાલિકાના સેનેટેશન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષમાં શ્વાન પકડવા, રસીકરણ અને ખસીકરણ માટે કુલ નવ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
પોરબંદર શહેરમાં રખડતા શ્વાનના ત્રાસને નિયંત્રણમાં લેવા હવે મહાનગરપાલિકા દ્વારા રૂ.1 કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. શ્વાન પકડવા, રસીકરણ અને ખસીકરણ સહિતની કામગીરી માટે છેલ્લા એક વર્ષમાં નવ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં રૂ.10 લાખનું ટેન્ડર હોવાથી પ્રથમથી પાંચમા પ્રયાસ સુધી કોઈ એજન્સીએ રસ દાખવ્યો નહોતો. ત્યારબાદ ટેન્ડરની રકમ વધારવામાં આવતા એજન્સીઓ આગળ આવી હતી અને હવે નવમા પ્રયાસે એજન્સી મળી છે.
મનપાના સેનેટેશન વિભાગના જણાવ્યા મુજબ વર્ક ઓર્ડર મળ્યા બાદ એજન્સી દ્વારા શહેરના વિવિધ વિસ્તારો માંથી રખડતા શ્વાનને પકડી ઓડદર ગૌશાળા ખાતે લાવવામાં આવશે. અહીં શ્વાન માટે હંગામી ધોરણે ઓપરેશન થિયેટર તૈયાર કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કે શ્વાનનું રસીકરણ અને ત્યારબાદ ખસીકરણ કરવામાં આવશે.દરેક શ્વાનને ઓડદર ખાતે છ દિવસ રાખી સારવાર અને ખોરાક સહિતની વ્યવસ્થા કરવામાં આવશે.
ટેન્ડર મુજબ એક શ્વાન પાછળ રૂ.1,650નો ખર્ચ થશે.હાલ ઓડદર ખાતે કુલ 60 શ્વાન રાખી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેમાં 10 પાંજરા હાલ ઉપલબ્ધ છે અને વધુ 50 પાંજરા મંગાવવામાં આવ્યા છે. આ કામગીરીથી શહેરમાં રખડતા શ્વાનની સંખ્યા નિયંત્રિત થવાની અને ડોગ બાઇટના બનાવોમાં ઘટાડો થવાની અપેક્ષા છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya