


- આંતરરાષ્ટ્રીય કક્ષાના સિન્થેટિક ટ્રેક પર સ્થાનિક પ્રતિભાને મળી નવી દિશા
- 700થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
રાજપીપળા,06 ઓકટોબર (હિ.સ.) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટી તંત્ર નર્મદા તથા જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, નર્મદા દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનો શુભારંભ જિલ્લા રમત ગમત અધિકારી તથા રાષ્ટ્રીય વિજેતા તિરંદાજ દિનેશ ભીલના હસ્તે કરવામાં આવ્યો હતો.આ રમતોત્સવમાં નાની ઉંમરના ખેલાડીઓથી લઈને ઓપન કેટેગરીના ખેલાડીઓ સુધી મોટી
સંખ્યામાં રમતવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંડર-9 અને અંડર-11 વિભાગમાં આશરે 200 ખેલાડીઓ, જ્યારે અંડર-14, અંડર-17 તથા ઓપન વિભાગમાં ભાઈઓ-બહેનો મળી આશરે 500 ખેલાડીઓએ પોતાની રમત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આમ, સમગ્ર સ્પર્ધામાં કુલ આશરે 700થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સિન્થેટિક એથ્લેટિક્સ ટ્રેક ખેલાડીઓ માટે વિશેષ
આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આધુનિક રમતગમતની સુવિધાઓથી સજ્જ આ મેદાન પર સ્પર્ધામાં ભાગ લેનારા નાના અને ઉભરતા ખેલાડીઓ, કોચ, મેનેજરો તથા વાલીઓએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારી દિનેશ ભીલે જણાવ્યું હતું કે, “નર્મદા જિલ્લાના યુવા
ખેલાડીઓને ગુણવત્તાસભર રમતગમતનું વાતાવરણ અને આધુનિક સુવિધાઓ મળે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સિન્થેટિક ટ્રેક આપણા જિલ્લાના ખેલાડીઓ માટે એક મહત્વપૂર્ણ તક છે. અહીંથી તાલીમ મેળવીને નર્મદાના ખેલાડીઓ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચે તે માટે ખેલાડીઓએ મહેનત, શિસ્ત અને સતત અભ્યાસને પ્રાથમિકતા આપવી જોઈએ.”
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉપલબ્ધ આધુનિક સુવિધાઓને કારણે નર્મદા જિલ્લાના રમતવીરોને
સ્થાનિક સ્તરેથી જ ઉચ્ચ કક્ષાની તાલીમ અને સ્પર્ધાત્મક અનુભવ મેળવવાની તક મળી રહી છે. “સ્થાનિક મેદાનથી આંતરરાષ્ટ્રીય મંચ સુધી” પહોંચવાના સંકલ્પ સાથે ખેલાડીઓમાં પણ નવી ઊર્જા અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ