
ભાવનગર, 06 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લાના હાથબ ગામના વતની જેઠવા વર્ષાબેન હિંમતભાઈએ રમતગમત ક્ષેત્રે પોતાની પ્રતિભાથી પરિવાર, ગામ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. સામાન્ય ખેતમજૂર પરિવારમાંથી આવતા વર્ષાબેન અત્યાર સુધીમાં વિવિધ રમતો અને અલગ-અલગ કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈને 12થી વધુ મેડલ જીતી ચૂક્યા છે.
વર્ષાબેનના પિતા ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં ચાર દીકરી અને એક દીકરો છે. મર્યાદિત આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ વર્ષાબેનને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પરિવારનો સતત સહયોગ મળ્યો હતો. વર્ષાબેને પણ મહેનત, આત્મવિશ્વાસ અને સતત તાલીમના બળે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.
વર્ષાબેન હાલમાં ગાંધીનગર ખાતે PSIની તાલીમ લઈ રહ્યાં છે. તાજેતરમાં પોલીસ વિભાગ દ્વારા યોજાનારી DGP કપ સ્પર્ધા માટે તેમનું નેશનલ કક્ષાએ પસંદગી થયું છે. DGP કપમાં એથ્લેટિક્સની 100 મીટર દોડ અને 400 મીટર હર્ડલ્સમાં તેમણે પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.
વર્ષાબેનની રમતગમતની સફર માત્ર એથ્લેટિક્સ પૂરતી મર્યાદિત નથી. તેઓ ગુજરાત રાજ્યની બાસ્કેટબોલ ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યાં છે તેમજ કુસ્તીમાં નેશનલ કક્ષા સુધી રમી ચૂક્યાં છે. અલગ-અલગ રમતોમાં સતત સફળતા મેળવી રહેલી વર્ષાબેનની સફર ગ્રામ્ય વિસ્તારના યુવાનો માટે પ્રેરણારૂપ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA