
અમદાવાદ,06 ઓકટોબર (હિ.સ.) અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના કાચરોલ ગામમાં 5 ઓક્ટોબરે વહેલી સવારે ફાયરિંગ અને ધમકીનો બનાવ બન્યો. બોલાચાલીના મનદુઃખને કારણે ચાર શખ્સોએ ફરિયાદી પરબતજી ઉર્ફે ખોડો ચતુરજી ઠાકોરને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી. હાંસલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, સવારે પાંચ વાગ્યા આસપાસ પરબતજીના ઘર પાસે આરોપી દિનેશજી મેરૂજી ઠાકોર મોટરસાઇકલ લઈને આવ્યો. તેણે અગાઉ થયેલી બોલાચાલીના કારણે પરબતજીને ગાળો આપી.
આરોપી અજય ભરતજી ઠાકોર સહિત અન્ય શખ્સો નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં પહોંચ્યા. અજય ઠાકોરે કારમાંથી ઉતરી કમરમાંથી બંદૂક કાઢી હવામાં ફાયરિંગ કર્યું.
એક અજાણ્યા શખ્સે ધારિયું લઈને ફરિયાદી અને સાક્ષીઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી. બધા આરોપીઓ કાર લઈને ભાગી ગયા. હાંસલપુર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ