રાજકોટ રેલવે ડિવિઝનમાં પીવાના પાણીના તમામ સેમ્પલ પાસ: 100% પરિણામ સંતોષકારક
રાજકોટ, 01 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલવે સ્ટેશનો અને રેલવે પરિસરમાં મુસાફરો માટે ઉપલબ્ધ પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ પરીક્ષણ દરમિયાન લેવાયેલા પીવાના પાણીના તમામ નમૂનાઓના પરિણામ
રાજકોટ રેલવે ડિવિઝનના પીવાના પાણીની ચકાસણી


રાજકોટ, 01 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલવે સ્ટેશનો અને રેલવે પરિસરમાં મુસાફરો માટે ઉપલબ્ધ પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ પરીક્ષણ દરમિયાન લેવાયેલા પીવાના પાણીના તમામ નમૂનાઓના પરિણામો સો ટકા સંતોષકારક અને નિર્ધારિત વૈજ્ઞાનિક ધોરણો અનુસાર મળી આવ્યા છે, જે મુસાફરોની આરોગ્ય સુરક્ષાની દ્રષ્ટિએ મોટી સિદ્ધિ છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યા મુજબ, ૨૧ થી ૨૮ ઑક્ટોબર દરમિયાન તબીબી વિભાગ દ્વારા પીવાના પાણીની ચકાસણી માટે કુલ ૨૪૯ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. જેમાં પાણીમાં ક્લોરિનનું પ્રમાણ માપવા માટે રેસિડ્યુઅલ ક્લોરિનના ૧૯૯ નમૂના અને જીવાણુ સંબંધિત ગુણવત્તા તપાસવા માટે ૫૦ નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ ૨૪૯ નમૂના પરીક્ષણમાં સંપૂર્ણપણે નિરોગી અને સુરક્ષિત સાબિત થયા છે.

રેલવે તંત્ર દ્વારા કરવામાં આવતા આ પ્રકારના નિયમિત વૈજ્ઞાનિક પરીક્ષણોનો મુખ્ય હેતુ પાણીની ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની ખામી કે પ્રદૂષણ સમયસર ઓળખી તેને દૂર કરવાનો છે. રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં લાખો મુસાફરો દરરોજ અવરજવર કરતા હોવાથી પાણી જન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે સમગ્ર ડિવિઝનમાં ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સતત જાળવી રાખવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ અંગે ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે મુસાફરોના સ્વાસ્થ્ય અને સલામતી માટે સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવું એ રેલવે તંત્રની પ્રાથમિકતા છે. રેલવે પરિસરમાં પીવાના પાણીની ગુણવત્તા પ્રત્યે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. મુસાફરોને સલામત અને બહેતર સુવિધાઓ મળતી રહે તે માટે રાજકોટ ડિવિઝન દ્વારા ભવિષ્યમાં પણ આ પ્રકારે સતત અને કડક નિરીક્ષણ ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande