
નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.) દેશના અલગ-અલગ વિસ્તારોમાં હવામાનના મિજાજમાં બદલાવ જોવા મળી રહ્યો છે. એક તરફ ઉત્તર ભારતમાં દિવસ-પ્રતિદિન ધુમ્મસ સાથે ઠંડી વધી રહી છે, તો બીજી તરફ દક્ષિણના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) અનુસાર 13 નવેમ્બરે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા (હવાનું ઓછું દબાણ ક્ષેત્ર) બનવાની સંભાવના છે, જે આગામી 24 કલાકમાં વધુ મજબૂત બનીને સ્પષ્ટ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ શકે છે.
દિલ્હી-એનસીઆરમાં આગામી દિવસોમાં સવારના સમયે હળવાથી મધ્યમ ધુમ્મસ જોવા મળશે. 11-13 નવેમ્બર દરમિયાન આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 27 થી 30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 14 થી 17 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાઈ શકે છે. હવામાન વિભાગના મતે મધ્ય અને ઉપરી ક્ષોભમંડળમાં સક્રિય પશ્ચિમી વિક્ષેપના પ્રભાવને કારણે પહાડી વિસ્તારોમાં હવામાન બદલાવની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ અને ઉત્તરાખંડમાં 13 તારીખ સુધી પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં છૂટાછવાયાથી લઈને વ્યાપક સ્તર પર વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. ખાસ કરીને 12 નવેમ્બરે કાશ્મીર ખીણમાં કેટલાક સ્થાનો પર ભારે વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. 12-16 નવેમ્બર દરમિયાન પંજાબના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. 11-14 નવેમ્બર દરમિયાન જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં 40-60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાવાની આશંકા છે.
દક્ષિણ ભારતના દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, મન્નારની ખાડી અને લક્ષદ્વીપ ક્ષેત્રની ઉપર બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાતી પરિભ્રમણ)ને કારણે દ્વીપકલ્પીય ભારતમાં વરસાદનો દોર ચાલુ રહેવાની સંભાવના છે. તમિલનાડુ, પોંડીચેરી અને કરાઈકલમાં 11, 15 તેમજ 16 નવેમ્બરે કેટલાક સ્થાનો પર ભારે વરસાદના આસાર છે. કેરળ અને માહેમાં 11-15 નવેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે જ્યારે 16 નવેમ્બરે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કર્ણાટક તેમજ લક્ષદ્વીપમાં 14-16 નવેમ્બર દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યનમ, રાયલસીમા અને કર્ણાટકના દરિયાકાંઠાના તેમજ દક્ષિણી આંતરિક હિસ્સાઓમાં વરસાદના આસાર છે.
અંડમાન અને નિકોબાર ટાપુ સમૂહમાં 11-16 નવેમ્બર દરમિયાન વ્યાપક વરસાદ થઈ શકે છે. આ દરમિયાન ભારે વરસાદ સાથે 40-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની સંભાવના છે. 11 નવેમ્બરે બિહાર, ઝારખંડ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં હળવો વરસાદ નોંધાઈ શકે છે. પૂર્વોત્તર રાજ્યોમાં 11-12 નવેમ્બરની વચ્ચે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયો વરસાદ થશે. જ્યારે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ