
નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.): રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ, સાઇબર અપરાધોની વધતી ગંભીરતા અને દીપફેક સામગ્રીથી ઉત્પન્ન થતા જોખમોને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓને તેમની કાર્યશૈલી અને દ્રષ્ટિકોણમાં બદલાવ લાવવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, પોલીસે અત્યાધુનિક તકનીકોનો ઉપયોગ કરનારા અપરાધીઓથી હંમેશાં એક પગલું આગળ રહેવું પડશે.
રાષ્ટ્રપતિએ મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) ના 78મા બેચ (2025 બેચ) ના તાલીમાર્થી અધિકારીઓ સાથે મુલાકાત દરમિયાન તેમને સંબોધિત કરતી વખતે આ વાત કહી. તેમણે કહ્યું કે સાઇબર અપરાધોનું ક્ષેત્ર સતત વધી રહ્યું છે અને તે વધુ ગંભીર બનતા જઈ રહ્યા છે. પોલીસે સમાજમાં સાઇબર અપરાધોની ગંભીરતા અંગે વ્યાપક સ્તરે જાગૃતિ ફેલાવવી જોઈએ.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, લોકોમાં ભય પેદા કરવા માટે દુષ્પ્રચાર ફેલાવવો એ એક ગંભીર સમસ્યા બનીને ઉભરી રહી છે. ખાસ કરીને યુવા વર્ગ સુનિયોજિત દુષ્પ્રચારથી પ્રભાવિત થઈ શકે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ સ્થાનીય, ક્ષેત્રીય અને રાષ્ટ્રીય સ્તરે પણ થઈ શકે છે. તેમણે કહ્યું કે સતર્ક અને કુશળ પોલીસ વ્યવસ્થા આવી પરિસ્થિતિઓને ગંભીર સ્વરૂપ લેતી અટકાવી શકે છે.
તેમણે કહ્યું કે, સામાન્ય નાગરિકો માટે પોલીસ અધિકારી અને સિપાઈ શાસન-પ્રશાસનના પ્રતીક હોય છે. જ્યારે પોલીસ વ્યવસ્થા સારી રીતે કામ કરે છે ત્યારે લોકોને શાસન પણ વધુ સારું અનુભવાય છે. પોલીસ અધિકારીઓ જ્યારે સંવેદનશીલતા અને ધ્યાનપૂર્વક લોકોની ફરિયાદો સાંભળે છે ત્યારે તેનાથી તેમનામાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના પેદા થાય છે.
રાષ્ટ્રપતિએ તાલીમાર્થી અધિકારીઓને કહ્યું કે, તેમણે સમાજના નબળા અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપવી જોઈએ. આવા લોકોની વરિષ્ઠ અધિકારીઓ સુધી પહોંચ અવારનવાર મર્યાદિત હોય છે. એટલા માટે તેમની આશંકાઓને દૂર કરવી અને ફરિયાદોનું નિરાકરણ લાવવું એ પોલીસ અધિકારીઓની જવાબદારી હોવી જોઈએ.
તેમણે કહ્યું કે, પોલીસ વ્યવસ્થામાં કેટલાક કર્મચારીઓ તકનીકના ઉપયોગમાં વરિષ્ઠ અધિકારીઓ કરતા પણ વધુ દક્ષ હોઈ શકે છે. આવી સ્થિતિમાં વરિષ્ઠ અધિકારીઓએ પોતાની ટીમના કનિષ્ઠ સભ્યો પાસેથી પણ શીખવામાં સંકોચ ન કરવો જોઈએ. તેમણે પોલીસ અધિકારીઓને કાર્યશૈલીમાં જનભાગીદારી અને ટીમ ભાવનાને પ્રોત્સાહિત કરવા તેમજ પોતાના આધીનસ્થ કર્મચારીઓના કલ્યાણને પ્રાથમિકતા આપવાની સલાહ આપી.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, પોલીસ અધિકારીઓને કાયદો અને નિયમોથી વ્યાપક અધિકારો મળે છે, પરંતુ જનતા વચ્ચે વાસ્તવિક સન્માન તેમને પોતાના કામકાજ અને મૂલ્યોના આધારે જ મળે છે. અધિકારીઓમાં નાગરિકોની સેવા કરવાની પ્રતિબદ્ધતા હોવી જોઈએ, ન કે તેમના પ્રત્યે શ્રેષ્ઠતાનો ભાવ.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ