
રાયપુર, નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, 'સ્વચ્છ સર્વેક્ષણ 2025-26'ના રાષ્ટ્રીય પુરસ્કારો માટે પસંદ કરાયેલા છત્તીસગઢના ત્રણ નગર નિકાયો રાયપુર, બિલાસપુર અને બિલ્હાને 11 નવેમ્બરે સન્માનિત કરશે.
નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 11 નવેમ્બરની સવારે 11:30 વાગ્યાથી યોજાનાર સમારોહમાં રાષ્ટ્રપતિ, આ નિકાયોને સ્વચ્છતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પુરસ્કાર પ્રદાન કરશે.
પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અરુણ સાવના કાર્યાલય મુજબ, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય તરફથી યોજાયેલા આ સમારોહમાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી તોખન સાહુ પણ સામેલ થશે. છત્તીસગઢ તરફથી નાયબ મુખ્ય પ્રધાન તેમજ નગર પ્રશાસન અને વિકાસ મંત્રી અરુણ સાવ, પ્રમુખ સચિવ સોનમણિ બોરા, સૂડા ના મુખ્ય કાર્યપાલન અધિકારી સુમીત અગ્રવાલ સહિત પસંદ કરાયેલા નગર નિકાયોના જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને સ્વચ્છતા કર્મીઓ ભાગ લેશે.
સ્વચ્છ સર્વેક્ષણની દસમી આવૃત્તિમાં છત્તીસગઢના ત્રણ શહેરોની રાષ્ટ્રીય પુરસ્કારો માટે પસંદગી એ પ્રદેશ માટે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. આ વર્ષે સર્વેક્ષણની થીમ 'સ્વચ્છતા કી નઈ પહલ—બઢાએં હાથ, કરેં સફાઈ સાથ' રાખવામાં આવી છે. આના માધ્યમથી સ્વચ્છતા અભિયાનમાં સમૂહિક જવાબદારી અને નાગરિકોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં આવી છે.
આ ઉપલબ્ધિમાં નગર નિકાયોના અધિકારીઓ-કર્મચારીઓની સાથે સફાઈ મિત્રો અને સ્થાનિક નાગરિકોની સક્રિય ભૂમિકા રહી છે. ઉલ્લેખનીય છે કે, સ્વચ્છ સર્વેક્ષણની પાછલી આવૃત્તિમાં પણ રાયપુર, બિલાસપુર અને બિલ્હાને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કારો પ્રાપ્ત થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ગેવેન્દ્ર પ્રસાદ પટેલ / ગાયત્રી પ્રસાદ ધીવર / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ