કોંગ્રેસ હૈદરાબાદમાં 13-14 નવેમ્બરના રોજ કરશે ભારત સમિટ, 70 દેશોના પ્રતિનિધિઓ લેશે ભાગ
નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.) કોંગ્રેસ 13 તેમજ 14 નવેમ્બરના રોજ હૈદરાબાદમાં ભારત સમિટનું આયોજન કરશે. જેમાં 70 દેશોના લગભગ એક હજાર પ્રતિનિધિઓ ભાગ લેશે. જેમાં નીતિ નિર્માતાઓ અને દુનિયાના વિવિધ દેશોના પ્રગતિશીલ આંદોલનો સાથે જોડાયેલા પ્રમુખ નેતાઓ સામે
પત્રકાર પરિષદમાં સંબોધન કરતા કોંગ્રેસના વિદેશ વિભાગના અધ્યક્ષ સલમાન ખુર્શીદ


નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.) કોંગ્રેસ 13 તેમજ 14 નવેમ્બરના રોજ હૈદરાબાદમાં ભારત સમિટનું આયોજન કરશે. જેમાં 70 દેશોના લગભગ એક હજાર પ્રતિનિધિઓ ભાગ લેશે. જેમાં નીતિ નિર્માતાઓ અને દુનિયાના વિવિધ દેશોના પ્રગતિશીલ આંદોલનો સાથે જોડાયેલા પ્રમુખ નેતાઓ સામેલ હશે. સમિટમાં નવી વૈશ્વિક વ્યવસ્થા, ભૂ-રાજકીય બદલાવ, આબોહવા પરિવર્તન, મીડિયાની ભૂમિકા અને માહિતીની વિશ્વસનીયતા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે.

પૂર્વ વિદેશ મંત્રી અને કોંગ્રેસના વિદેશ વિભાગના અધ્યક્ષ સલમાન ખુર્શીદે, મંગળવારે અહીં કોંગ્રેસ મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આ સમિટ બે મહત્વપૂર્ણ અવસરોની સાથે યોજાઈ રહી છે. જેમાં પંડિત જવાહરલાલ નેહરુની 137મી જયંતિ અને ભારતની આઝાદીના 80 વર્ષ પૂરા થવા સામેલ છે. તેમણે કહ્યું કે, નેહરુની વિચારસરણી આજે પણ કોંગ્રેસની વિદેશ નીતિ અને તેના દ્રષ્ટિકોણ માટે પ્રેરણા છે. સમિટનો ઉદ્દેશ્ય રાહુલ ગાંધીની ભારત અને દુનિયાના ભવિષ્ય તથા નવી વૈશ્વિક વ્યવસ્થાની પરિકલ્પના પર વિચાર કરવાનો છે. જેમાં 12 આંતરરાષ્ટ્રીય સત્રો અને તેલંગાણા પર કેન્દ્રિત આઠ સત્રો હશે.

તેલંગાણાના માહિતી પ્રૌદ્યોગિકી, ઇલેક્ટ્રોનિક્સ તેમજ સંચાર, ઉદ્યોગ તેમજ વાણિજ્ય તથા ધારાસભાકીય બાબતોના મંત્રી શ્રીધર બાબુ દુડ્ડિલ્લાએ જણાવ્યું કે વિવિધ દેશોથી આવનારા પ્રતિનિધિઓની વિચારણાથી તેલંગાણાના શાસન અને જનતાને લાભ મળશે. આંતરરાષ્ટ્રીય સત્રો હૈદરાબાદ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (એચઆઈસીસી)માં થશે, જ્યારે તેલંગાણા સાથે જોડાયેલા સત્રો હાઈટેક્સમાં યોજાશે. આ સત્રોમાં ફ્યુચર સિટી અને શહેરીકરણ, આર્થિક તેમજ સામાજિક ન્યાય, કલ્યાણકારી નીતિઓ, સહકારી સંઘવાદ, સંસ્કૃતિ, યુવા અને રમતગમત તથા ચૂંટણી સંબંધિત નિષ્પક્ષતા જેવા વિષયો પર ચર્ચા થશે.

શ્રીધર બાબુએ કહ્યું કે, ભારત સમિટમાં સામેલ થનારા ભાગીદારોને ડિસેમ્બરમાં યોજાનારા ઇન્વેસ્ટ તેલંગાણા ગ્લોબલ સમિટ 2026માં પણ આમંત્રિત કરવામાં આવશે. આ આયોજન 7 થી 9 ડિસેમ્બર સુધી થશે. જેમાં સંભવિત રોકાણની તકો પર ચર્ચા કરવામાં આવશે.

તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બોમ્મા મહેશ કુમાર ગૌડે જણાવ્યું કે, તેલંગાણામાં બીજી વખત આટલા મોટા સ્તરનું આયોજન થઈ રહ્યું છે. લગભગ 70 દેશોના પ્રગતિશીલ વિચારકો તેમાં ભાગ લેશે. તેમણે આને રાજ્ય માટે ગર્વનો અવસર ગણાવ્યો.

કોંગ્રેસના મહાસચિવ ગુરદીપ સિંહ સપ્પલે જણાવ્યું કે, છેલ્લા 15 વર્ષોમાં ભારત સહિત સમગ્ર દુનિયામાં નફરત અને વિભાજનની રાજનીતિ વધી છે. જેનાથી જનતાને નુકસાન થયું છે. દુનિયાની પ્રગતિશીલ અને ઉદારવાદી પાર્ટીઓ પણ આ પડકારને સમજી રહી છે. કોંગ્રેસે આવી રાજનીતિ સામે દુનિયાની પાર્ટીઓને એકાત્મક કરવાની પહેલ કરી છે. ગયા વર્ષે પણ હૈદરાબાદમાં ભારત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે, આજે માહિતી પ્રૌદ્યોગિકી ક્ષેત્રની મોટી કંપનીઓ દુનિયાની રાજનીતિને પ્રભાવિત કરી રહી છે અને રાજકીય પ્રક્રિયા પર કંપનીઓનો પ્રભાવ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો માટે વિચાર-વિમર્શ અને બૌદ્ધિક ચર્ચા જરૂરી છે, જેથી સમાજ અને રાજનીતિ સાથે જોડાયેલા લોકો આ પડકારોનો વ્યવહારિક ઉકેલ શોધી શકે. રાહુલ ગાંધીની બર્લિન મુલાકાત દરમિયાન દુનિયાની પ્રગતિશીલ પાર્ટીઓના લોકોને સામેલ કરીને એક થિંક ટેન્ક બનાવવાનો વિચાર સામે આવ્યો હતો. તેની શરૂઆત હૈદરાબાદની ભારત સમિટથી થશે, જેમાં 70 થિંક ટેન્ક સામેલ હશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande