
સ્મૃતિ માંધાનાની કેપ્ટનશીપ હેઠળ રમશે સૌરાષ્ટ્રની ખેલાડી; 21 નવેમ્બરથી શરૂ થશે મુકાબલો
જામનગર, 12 નવેમ્બર (હિ.સ.) : જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (JDCA) સાથે સંકળાયેલી સિનિયર મહિલા ક્રિકેટર નેહા ચાવડાની આગામી વેસ્ટ ઝોન મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં તે ભારતીય સ્ટાર ક્રિકેટર સ્મૃતિ માંધાનાની કેપ્ટનશીપમાં મેદાનમાં ઉતરશે. અગાઉ તેણે સૌરાષ્ટ્રની સિનિયર મહિલા ટીમની કેપ્ટન તરીકે સન્માનજનક જવાબદારી સંભાળી હતી.
આંતર-ઝોનલ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ આગામી 21 નવેમ્બરથી ઓડિશાના કટક ખાતે યોજાનાર છે, જ્યાં નેહા પોતાની ટીમ સાથે જોડાશે. તાજેતરની સિઝનમાં તેણે પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ ઓલરાઉન્ડ ક્ષમતા દર્શાવી હતી, જેના પરિણામે પસંદગીકારોનું ધ્યાન તેના તરફ આકર્ષાયું હતું અને તેને આ પ્રતિષ્ઠિત ટીમમાં સ્થાન મળ્યું હતું.
ખેલાડીની આ સફળતા પાછળ લાંબા સમયથી ચાલી રહેલી કઠોર મહેનત અને જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણનું માર્ગદર્શન રહેલું છે. JDCA દ્વારા પૂરી પાડવામાં આવેલી ગુણવત્તાયુક્ત તાલીમ અને પ્રોત્સાહન આ સિદ્ધિનો મુખ્ય આધારસ્તંભ સાબિત થયા છે, જેણે રમતગમત ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે.
નેહાની આ પસંદગીથી જામનગર અને સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. એસોસિએશનના હોદ્દેદારો તેમજ રમતપ્રેમીઓએ તેને અભિનંદન પાઠવ્યા છે અને કટક ખાતે યોજાનારી આંતર-ઝોનલ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt