



પાટણ, 13 નવેમ્બર (હિ.સ.) : હારીજ-ચાણસ્મા-મહેસાણા હાઇવે પર દાંતરવાડા નજીક આવેલા શ્રી પરાગધામ અન્નક્ષેત્ર રામવાડીમાં ત્રણ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ગુરુવારથી પ્રારંભ થયો છે. મહોત્સવના બીજા દિવસે દાંતરવાડાના શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
શોભાયાત્રામાં શ્રી રામ, લક્ષ્મણ, સીતાજી, કષ્ટભંજન ગોદડીયા હનુમાનજી અને ગુરુમૂર્તિની પ્રતિમાઓને પરાગધામ રામવાડી લઈ જવામાં આવી હતી. પાંચ બગીઓમાં મહંત નરહરિદાસ બાપુ અને દાતાઓ જોડાયા હતા. ગ્રામજનોએ ધાર્મિક ભજનો સાથે નાચગાન કરી ઉત્સાહભેર શોભાયાત્રામાં ભાગ લીધો હતો.
મહોત્સવમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, પૂર્વ મંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, દાંતરવાડાનાં સરપંચ જ્યોત્સનાબેન વિનોદભાઈ ઠાકોર સહિત સાધુ-સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હારીજ તાલુકાનાં વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા. મુખ્ય શાસ્ત્રી ભવાની શંકર અને તેમની ભુદેવ ટીમે મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિઓ કરાવી હતી.
ભૂમિદાતા અને મુખ્ય યજમાન નારણભાઈ પટેલ સહિત 11 કુંડી યજ્ઞના યજમાનોએ મહોત્સવમાં ભાગ લીધો હતો. લાભપાંચમના શનિવારે મહોત્સવની પૂર્ણાહુતિ સાથે શ્રી હનુમાનજી, શ્રી રામ, લક્ષ્મણ, સીતાજી અને ગુરુમૂર્તિ શ્રી પરાગદાસ બાપાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ અન્નક્ષેત્રનો પ્રારંભ થશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ