
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.) : ચાણસ્મા તાલુકાના કેશણી ગામે સુજલામ સુફલામ્ યોજના હેઠળ ગંગેટ ગામથી પાઈપલાઈન મારફતે તળાવમાં પાણી પહોંચાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા પાણીના વધામણા કરવામાં આવ્યા હતા.
કેશણી ગામમાં ઓછા વરસાદને કારણે તળાવમાં પાણીની અછત સર્જાઈ હતી. ગ્રામજનોની રજૂઆતને પગલે ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોરે ગંગેટથી કેશણીના તળાવ સુધી પાઈપલાઈન નાખવા માટે રૂ. 70 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. પાઈપલાઈન દ્વારા તળાવમાં પાણી પહોંચતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી.
આ ઉપરાંત, ગામમાં આવેલી બ્રહ્મ સમાજની વાડીના નવા શેડના નિર્માણ માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. 5 લાખની સહાય ફાળવવામાં આવી હતી. તૈયાર થયેલા શેડનું ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બ્રહ્મ સમાજના આગેવાનો અને ગ્રામજનોએ ધારાસભ્યનું વિશિષ્ટ સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાન રાજુલ પટેલ (જયવીર), નરપતસિંહ દરબાર સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ