
ગ્લાસગો ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપની ક્લબ કેટેગરીમાં સિલ્વર અને એલિટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવી દેશ તથા શહેરનું ગૌરવ વધાર્યું
જામનગર, 12 નવેમ્બર (હિ.સ.) :
જામનગરની કરાટે ખેલાડી યશસ્વી સિંહ ચરકે સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૬ માં શાનદાર પ્રદર્શન કરીને બે મેડલ જીત્યા છે. તેણે ક્લબ કેટેગરીમાં સિલ્વર અને એલિટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત તેમજ જામનગરનું નામ રોશન કર્યું છે.
વર્લ્ડ કરાટે ફેડરેશન (WKF) ના નેજા હેઠળ ૪ થી ૮ નવેમ્બર દરમિયાન સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જામનગરની યશસ્વી સિંહ ચરકે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને બે અલગ-અલગ કેટેગરીમાં સફળતા મેળવી છે. તેણે ક્લબ કેટેગરીમાં સિલ્વર મેડલ તેમજ એલિટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને સમગ્ર દેશ અને જામનગર શહેરને ગૌરવ અપાવ્યું છે.
યશસ્વી સિંહ ચરક જામનગર સ્થિત ઉત્કલ કરાટે સ્કૂલ (રિલાયન્સ ગ્રીન્સ) ખાતે કરાટેની સઘન તાલીમ મેળવી રહી છે. આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કર્યા બાદ તેણે પોતાના મુખ્ય કોચ ઉમાકાંત સેનાપતિ સહિત તાલીમ અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડનારા તમામ અગ્રણીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
ખેલાડીને આ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવામાં DSO જામનગર, KDF, KIO, RSCC અને KDARFS જેવી સંસ્થાઓ તરફથી ટેકનિકલ તાલીમ તથા જરૂરી સહયોગ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત રમતગમત ક્ષેત્રે સતત પ્રોત્સાહન અને સહયોગ આપવા બદલ રિલાયન્સ મેનેજમેન્ટ તેમજ જામનગરના સાંસદ પૂનમ માડમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt