


- ભુજથી અબડાસા સુધી અનામત બેઠકો જાહેર, ક્યાંક મહિલાઓને તક તો ક્યાંક SC-ST અને OBC વર્ગ માટે મેદાન તૈયાર.- ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોની નજર હવે પોતાના ગામની બેઠક પર.
કચ્છ, 12 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ પહેલાં જ ગ્રામ્ય રાજકારણમાં હલચલ શરૂ થઈ ગઈ છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સરપંચ પદની અનામત બેઠકોની વારાફરતી ફાળવણી એટલે કે રોટેશનની પ્રક્રિયા અંતર્ગત જાહેરનામાં પ્રસિદ્ધ થતાં ગામડાંઓમાં ચૂંટણીલક્ષી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ રાણાવાસિયા દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી કયા ગામમાં કયા વર્ગનો ઉમેદવાર સરપંચ પદ માટે દાવેદારી કરી શકશે તેની સ્થિતિ સ્પષ્ટ થવા લાગી છે.
ભુજ, નખત્રાણા, રાપર, માંડવી, મુંદરા અને અબડાસા સહિતના તાલુકાઓમાં સરપંચ પદની બેઠકો માટે અલગ અલગ અનામત શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે. ભુજ તાલુકાની ૧૧૪, નખત્રાણાની ૬૫, રાપરની ૮૨, માંડવીની ૭૫ અને અબડાસાની ૮૫ ગ્રામ પંચાયતો માટે અનામત ફાળવણીની વિગતો જાહેર કરવામાં આવી છે. મુંદરા તાલુકામાં પણ ગ્રામ પંચાયતોની બેઠકોનું રોટેશન જાહેર થતાં સમગ્ર કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામવા લાગ્યો છે.
આ ફાળવણી ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ તથા સરપંચ પદની વારાફરતી અનામત ફાળવણીના ૧૯૯૪ના નિયમો અનુસાર કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી, રાજ્ય ચૂંટણી આયોગની સૂચનાઓ અને અગાઉની ચૂંટણીમાં થયેલી અનામત ફાળવણીને ધ્યાને રાખીને ત્રીજી સામાન્ય ચૂંટણી માટે રોટેશન નક્કી કરાયું છે.
જાહેર થયેલી બેઠકોમાં સામાન્ય બિનઅનામત, સામાન્ય મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જાતિ મહિલા, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની સામાન્ય અને મહિલા બેઠકોનો સમાવેશ થાય છે. પરિણામે અનેક ગામોમાં અત્યાર સુધી ચૂંટણીની તૈયારી કરી રહેલા સંભવિત ઉમેદવારોને હવે પોતાની દાવેદારી અને રાજકીય રણનીતિમાં ફેરફાર કરવો પડશે.
ખાસ કરીને મહિલા અનામત જાહેર થયેલી ગ્રામ પંચાયતોમાં નવા મહિલા ચહેરાઓને તક મળવાની શક્યતા છે, જ્યારે અન્ય અનામત બેઠકોમાં સંબંધિત વર્ગના ઉમેદવારો માટે સરપંચ બનવાનો માર્ગ ખુલશે.
હવે કચ્છના ગામડાંઓમાં કોને ઉમેદવાર બનાવવો, કોને સમર્થન આપવું અને ચૂંટણીમાં કયા સમીકરણો રચાશે તેની ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે, આ રોટેશનની જાહેરાત ચૂંટણી કાર્યક્રમ નથી. હવે ગ્રામજનો અને સંભવિત ઉમેદવારોની નજર ચૂંટણીની સત્તાવાર તારીખો પર મંડાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar