
ભાવનગર, 13 નવેમ્બર (હિ.સ.) : ભાવનગરમાં આનંદનગર સ્થિત જલારામ મંદિરે આગામી તા.16 નવેમ્બર, સોમવારના રોજ જલારામ બાપાની 227મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે મંદિરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે. દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જલારામ જયંતિના દિવસે સવારે 8:15 કલાકે ધજા પૂજન, 8:30 કલાકે જલારામ બાપાનું પૂજન, સવારે 11 કલાકે 251થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે. ત્યારબાદ બપોરે 12:15 કલાકે મહાઆરતી યોજાશે. સવારે 6:30 કલાકે આરતી સાથે કાર્યક્રમોની શરૂઆત થશે. મંદિરના દર્શન સવારે 5થી રાત્રે 9:30 કલાક સુધી ખુલ્લા રહેશે.
આ ઉપરાંત સવારે 9:30થી બપોરે 2 વાગ્યા સુધી રેડક્રોસ સોસાયટી ભાવનગરના સહયોગથી રક્તદાન શિબિર, જનરલ મેડિકલ ચેકઅપ, પ્રાથમિક સારવાર, થેલેસેમિયા પરીક્ષણ કેમ્પનું આયોજન કરાયું છે. સાથે ચક્ષુદાન, દેહદાન અને અંગદાનના સંકલ્પપત્રો ભરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
જલારામ બાપાના 'ટુકડો ત્યાં હરિ ઢૂંકડો'ના સેવા મંત્રને સાર્થક કરતાં સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી સર્વે સમાજના ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. દર વર્ષે 20 હજારથી વધુ ભક્તો મહાપ્રસાદનો લાભ લે છે, જ્યારે સમગ્ર દિવસ દરમિયાન 80 હજારથી વધુ લોકો દર્શનાર્થે આવે છે. મંદિર તરફથી તમામ ભક્તોને જન્મજયંતિની ઉજવણીમાં જોડાવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA