
- સ્વચ્છતાના અભાવે મનપાની ફૂડ શાખાએ પેઢીને નોટિસ ફટકારી; મેડિકલ રિપોર્ટ અને પેસ્ટ કંટ્રોલની પૂર્તતા કરવા આદેશ.
જામનગર, 13 નવેમ્બર (હિ.સ.) :
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા જાણીતા બજરંગ ઢોસા સેન્ટરમાં ગ્રાહકની ચટણીમાંથી તળેલો મૃત વંદો નીકળવાની ગંભીર ઘટના સામે આવી છે. આ અંગે ગ્રાહક દ્વારા કરવામાં આવેલી ફરિયાદના પગલે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તપાસ હાથ ધરી હતી. તંત્ર દ્વારા સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘન બદલ પેઢીને નોટિસ ફટકારી ત્રણ દિવસ માટે વેચાણ બંધ કરાવવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા પ્રખ્યાત બજરંગ ઢોસા સેન્ટરમાં ગત સાંજે ડૉ. ભાવેશ વ્યાસ પોતાના પરિવાર સાથે ભોજન લેવા માટે ગયા હતા. ભોજન દરમિયાન તેમણે પોડી ઢોસાનો ઓર્ડર આપ્યો હતો. જોકે, ઢોસા સાથે પીરસવામાં આવેલી ચટણીની વાટકીમાં તળેલો મૃત વંદો જોવા મળતા ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક આ મામલે મહાનગરપાલિકાની ફૂડ શાખાને ફરિયાદ કરી હતી.
ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી લઈને જામનગર મનપાની ફૂડ શાખાની ટીમે આજે સવારે બજરંગ ઢોસા સેન્ટર ખાતે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન રસોડામાં અન્ય કોઈ જીવજંતુ જોવા મળ્યા ન હતા, પરંતુ ખાદ્ય સુરક્ષાના નિયમો મુજબ જરૂરી સ્વચ્છતાનો ગંભીર અભાવ હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું.
સ્વચ્છતાના અભાવ અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા અટકાવવા માટે ફૂડ શાખાએ તાત્કાલિક અસરથી પેઢીને નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત, આગામી ત્રણ દિવસ સુધી ઢોસા સેન્ટરમાં ખાદ્યપદાર્થોનું વેચાણ સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ફૂડ શાખાએ સંચાલકોને ત્રણ દિવસની અંદર તમામ સ્ટાફના મેડિકલ રિપોર્ટ, પેસ્ટ કંટ્રોલની કામગીરી તેમજ પાણીની ચકાસણીના રિપોર્ટ સહિતની જરૂરી પૂર્તતા કરી જમા કરાવવા તાકીદ કરી છે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફૂડ શાખા દ્વારા પેઢીની પુનઃ તપાસ કરવામાં આવશે અને જો તમામ નિયમોનું સંપૂર્ણ પાલન થતું જણાશે તો જ ફરીથી વેચાણ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt