
ભાવનગર, 13 નવેમ્બર (હિ.સ.) : ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિના પાવન અવસરે સમગ્ર દેશમાં 01 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે. આ જ અનુસંધાને ભાવનગર મંડળમાં તા. 13 નવેમ્બર, 2026ના રોજ મહાન સ્વાતંત્ર્ય સેનાની અને જનનાયક ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ “જનજાતીય ગૌરવ દિવસ” તરીકે ખૂબ જ હર્ષોલ્લાસ, ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે મંડળ સભાખંડમાં “જનજાતીય ગૌરવ સપ્તાહ” અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ અપર મંડળ રેલવે મેનેજર ઋત્વિક શર્માની અધ્યક્ષતામાં થયો હતો. સૌપ્રથમ ભગવાન બિરસા મુંડાના ચિત્ર પર પુષ્પહાર અર્પણ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ તેમના જીવન, સંઘર્ષ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાન પર આધારિત પ્રેરણાદાયી દસ્તાવેજી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી.
પોતાના સંબોધનમાં અપર મંડળ રેલવે મેનેજર ૠત્વિક શર્માએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાએ માત્ર અંગ્રેજ શાસન વિરુદ્ધ સંઘર્ષ કરીને આદિવાસી સમાજને એકજૂથ કર્યો નહોતો, પરંતુ સમાજ સુધારણા અને રાષ્ટ્રની આઝાદી માટે પણ વિશિષ્ટ યોગદાન આપ્યું હતું. તેમનું સમગ્ર જીવન સંઘર્ષ, સ્વાભિમાન અને દેશભક્તિનું પ્રેરણાદાયી પ્રતીક છે, જે વર્તમાન અને ભાવિ પેઢીઓને સતત પ્રેરણા આપતું રહેશે.
સેમિનાર દરમિયાન વક્તાઓએ ભગવાન બિરસા મુંડાના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન તેમજ આદિવાસી સમાજના ઉત્થાન માટે તેમણે કરેલા કાર્યો પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત કર્મચારીઓને તેમના જીવન પર આધારિત એક પ્રેરણાદાયી શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં શાખા અધિકારીઓ, કર્મચારીઓ તથા ટ્રેડ યુનિયન અને એસોસિએશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હુબલાલ જગન દ્વારા કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ