
- રાજકોટ સહિત ૯ ડેપોમાંથી ૧૦૦ એક્સ્ટ્રા બસની ૧૫૩થી વધુ ટ્રિપનું સંચાલન; રાજ્યસ્તરે ત્રીજના દિવસે ૧.૫૦ લાખથી વધુ સીટનું રેકર્ડબ્રેક ઓનલાઈન બુકિંગ
રાજકોટ, 13 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારોમાં મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વિશેષ આયોજન કરાયું હતું. જે અંતર્ગત રાજકોટ એસટી ડિવિઝને તા. ૪ થી ૧૨ નવેમ્બર દરમિયાન ૧૦૦ એક્સ્ટ્રા બસો દોડાવી રૂ. એક કરોડની વધારાની આવક મેળવી છે. બીજી તરફ, રાજ્યસ્તરે પણ ત્રીજના દિવસે ઓનલાઈન એડવાન્સ બુકિંગમાં નવો રેકોર્ડ નોંધાયો છે.
રાજકોટ એસટી ડિવિઝન દ્વારા તહેવારોના નવ દિવસ દરમિયાન મુસાફરોની સુવિધા માટે ફાળવવામાં આવેલી ૧૦૦ એક્સ્ટ્રા બસો મારફતે ૧૫૩થી વધુ ટ્રિપનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. આ વિશેષ સંચાલનના પરિણામે ડિવિઝનને અંદાજે રૂ. એક કરોડ જેટલી એક્સ્ટ્રા કમાણી થઈ છે. રાજકોટ એસટી બસ પોર્ટ ઉપરાંત ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના કુલ નવ ડેપો ખાતેથી આ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. તહેવારો પૂર્ણ થતાં હાલમાં પણ રાજકોટ એસટી બસ પોર્ટ ખાતે મુસાફરોનો ભારે રિટર્ન ટ્રાફિક જોવા મળી રહ્યો છે.
સમગ્ર એક્સ્ટ્રા બસ સંચાલનની કામગીરી વિભાગીય નિયામક એમ.પી. રાજ અને વિભાગીય પરિવહન અધિકારી હીરીબેન કટારાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી, જ્યારે રાજકોટ બસ પોર્ટ ખાતે ડેપો મેનેજર ઘનશ્યામભાઈ ચગે વ્યવસ્થા સંભાળી હતી. વિભાગીય પરિવહન અધિકારી હીરીબેન કટારાના જણાવ્યા અનુસાર, નિગમ દ્વારા તાજેતરમાં જ રાજકોટ ડિવિઝનને ૧૬ નવી બસોની ફાળવણી કરવામાં આવી હતી. દિવાળી પર્વ નિમિત્તે આ તમામ નવી બસોને પણ મુસાફરોની સેવામાં મૂકવામાં આવતા મુસાફર જનતાને આરામદાયક મુસાફરીની સુવિધાનો સીધો લાભ મળ્યો હતો.
રાજકોટ ડિવિઝનની સાથે-સાથે સમગ્ર રાજ્યમાં પણ એસટી નિગમને દિવાળીનો તહેવાર ફળ્યો છે અને ઓનલાઈન બુકિંગમાં નોંધપાત્ર વધારો થયો છે. નિગમના આંકડા મુજબ, તા. ૧૧ નવેમ્બરના રોજ ભાઈ બીજના દિવસે રાજ્યસ્તરે કુલ ૧,૪૬,૮૭૫ સીટનું ઓનલાઈન એડવાન્સ બુકિંગ થયું હતું, જેના થકી નિગમને રૂ. ૫.૮૧ કરોડની આવક થઈ હતી. ત્યારબાદ તા. ૧૨ નવેમ્બરના રોજ ત્રીજના દિવસે આ આંકડો વધીને રેકર્ડબ્રેક ૧,૫૦,૦૧૦ સીટ પર પહોંચ્યો હતો, જે પેટે નિગમને રૂ. ૫.૯૫ કરોડની માતબર આવક નોંધાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt