
સુરત, 13 નવેમ્બર (હિ.સ.) : સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા છઠ સરોવર ખાતે શ્રી છઠ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા છઠ મહાપર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસ સુધી ચાલનારા આ પવિત્ર પર્વનો પ્રારંભ આજે પરંપરાગત નહાય-ખાયની વિધિ સાથે થયો છે. ઉત્સવને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
છઠ મહાપર્વને ધ્યાનમાં રાખીને સરોવર પર જરૂરી વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓના સહયોગથી સરોવરની સફાઈ, રંગરોગાન અને આસપાસના વિસ્તારના સૌંદર્યીકરણની કામગીરી પૂર્ણતાના આરે છે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે શ્રી છઠ માનવ સેવા ટ્રસ્ટના સ્થાપક અને પ્રમુખ રાજેન્દ્ર ઉપાધ્યાયે SMC, પોલીસ વિભાગ તેમજ સહયોગ આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે છઠ મહાપર્વ શ્રદ્ધા, આસ્થા અને લોકસંસ્કૃતિનું પ્રતીક છે. સાથે જ તેમણે સુરતના તમામ શ્રદ્ધાળુઓને પરિવાર સાથે ઉત્સવમાં જોડાઈને ભક્તિભાવપૂર્વક છઠી મૈયાની આરાધના કરવા અપીલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે