
જિલ્લાની કુલ ૪૨૨માંથી મુદત પૂર્ણ થતી પંચાયતો માટે તંત્ર સજ્જ; ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે
જામનગર, 13 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના છ તાલુકાઓની કુલ ૪૨૨ ગ્રામ પંચાયતોમાંથી ૩૧ માર્ચ, ૨૦૨૭ સુધીમાં મુદત પૂર્ણ થતી ૧૫૮ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી આગામી સમયમાં યોજાશે. આ ઉપરાંત, જિલ્લાની ખાલી પડેલી આઠ સરપંચ અને ૧૪૫ સભ્યોની બેઠકો માટે પેટા ચૂંટણી પણ હાથ ધરવામાં આવશે, જેને પગલે સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી વહીવટી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લાના વિવિધ છ તાલુકાઓમાં આવેલી કુલ ૪૨૨ ગ્રામ પંચાયતો પૈકી જે પંચાયતોની મુદત આગામી ૩૧ માર્ચ, ૨૦૨૭ની આસપાસ પૂર્ણ થઈ રહી છે, તેવી ૧૫૮ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રક્રિયાને સુચારુ રીતે પાર પાડવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કામગીરી તેજ કરવામાં આવી છે.
તાલુકાવાર આંકડાકીય વિગતો મુજબ, સૌથી વધુ જામજોધપુર તાલુકામાં ૩૨ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી યોજાશે. ત્યારબાદ લાલપુર તાલુકામાં ૩૦ અને કાલાવડ તાલુકામાં ૨૭ ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત, ધ્રોલ તાલુકાની ૧૬ અને જોડિયા તાલુકાની ૧૫ ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થતી હોવાથી ત્યાં પણ ચૂંટણી યોજાશે. આ તમામ તાલુકાઓમાં વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સહિતની પ્રાથમિક તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
સામાન્ય ચૂંટણીની સાથે જ જિલ્લામાં હાલ ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજવાનું પણ આયોજન છે. જે અંતર્ગત જિલ્લાની અલગ-અલગ આઠ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે તેમજ ૧૪૫ જેટલા ગ્રામ પંચાયતના સભ્યોની ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt