ગોંડલના ત્રાકુડાની સીમમાં ખેડૂતની પત્નીની હત્યા કરનાર ભાગીયાની ધરપકડ
રાજકોટ, 13 નવેમ્બર (હિ.સ.) : ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામની સીમમાં વાડીમાં ભાગીયાએ ખેડૂત દંપતી પર હુમલો કરી પ્રૌઢાને પાવડાના આડેધડ ઘા મારી તેમની હત્યા કરી ખેડૂતની પાછળ પણ પાવડો લઇ મારવા દોડયો હતો. ખેડૂત દંપતીએ કામ બાબતે દસેક દિવસ પૂર્વે ઠપકો આપ્યો હ
હત્યાના આરોપીની ધરપકડ


રાજકોટ, 13 નવેમ્બર (હિ.સ.) : ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામની સીમમાં વાડીમાં ભાગીયાએ ખેડૂત દંપતી પર હુમલો કરી પ્રૌઢાને પાવડાના આડેધડ ઘા મારી તેમની હત્યા કરી ખેડૂતની પાછળ પણ પાવડો લઇ મારવા દોડયો હતો. ખેડૂત દંપતીએ કામ બાબતે દસેક દિવસ પૂર્વે ઠપકો આપ્યો હોય દરમિયાન ફરી ઠપકો આપતા પરપ્રાંતીય શખ્સે ગુસ્સે ભરાઇ દંપતી પર મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો. હત્યાની આ ઘટનાના પગલે મૃતકના પુત્રની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો.

મળતી માહિતી મુજબ, ત્રાકુડા ગામે રહેતા ભાગર્વ જીતેન્દ્રભાઇ અમૃતીયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગામની સીમમાં આવેલી તેમના પિતા જતેન્દ્રભાઈની વાડીમાં ભાગિયું રાખનાર રાજુ રમેશ ડોડીયાર (ઉ.વ.29, રહે. ચૌરા ગામ, ઝાબુઆ, મધ્યપ્રદેશ)નું આપી જણાવ્યું હતું કે, તે ગોંડલમાં જેલ રોડ પર આવેલી બંધન બેંકમાં ત્રણ વર્ષથી સિનિયર સેલ્સ એકઝકયુટિવ તરીકે નોકરી કરે છે. ફરિયાદીના માતા જોશનાબેન ઉર્ફે જ્યોત્સનાબેન તથા પિતા જીતેન્દ્રભાઈ ગામ નજીક ખોડીયાવાર વાળી સીમમાં આવેલી વાડીએ ખેતીકામ કરે છે.

ગઈ તા.11 ના રોજ સવારના ફરિયાદી તેના માતા-પિતાને વાડીએ મુકી બાદમાં નોકરી પર ગયા હતાં. જે બાદ તેના પિતાનો ફોન આવેલ કે, હું અને તારા મમ્મી વાડીએ હતા ત્યારે આપણી વાડી ભાગીયુ વાવવા રાખેલ ભાગીયા મધ્યપ્રદેશના મજુર રાજુ ચૌરા આશરે સાડા નવથી દશ વાગ્યા વચ્ચે મારી પાછળ પાવડો લઇને દોડેલ અને કહેતો હતો કે, તું મને કોણ વાડીનુ કામ શીખડાવવાવાળો, તારી ઘરવાળીને પાવડાથી પતાવી દિધી છે, હવે તારો વારો તેમ કહી મારી સાથે ઝપાઝપી કરી મારો શર્ટ ફાડી નાખતા હુ તેની બીકના લીધે ત્યાંથી ભાગી ગયો છું. તું વાડીએ આવ તેમ કહેતા ફરિયાદી તુરંત જ વાડીએ પહોંચ્યા હતાં.

બાદમાં તેમના માતાને ફોન કરતા તેમનો ફોન સ્વીચ ઓફ આવતા વાડીના શેઢે શોધખોળ કરવા લાગ્યા હતાં. દરમિયાન પોલીસને પણ જાણ કરી દીધી હતી. વાડીમાં વાવેલ મરચા તથા રીંગણી વચ્ચે ફરિયાદીના માતાની લોહી લુહાણ હાલતમાં લાશ પડી હતી.

આ વાડીનુ ભાગીયુ વાવવા રાખેલ રાજુ વાડીમાં સરખુ કામ કરતા ન હોય અને મરચા વચ્ચે ખડ ઉગી ગયેલ હોય જેથી ફરિયાદીના માતા-પિતાએ ભાગીયા રાજુને આશરે દશેક દિવસ પહેલા ખડ વાઢી નાખવાનુ કહ્યું હતું તેમજ આજે પણ ખડ વાઢવા બાબતે કહેતા તેણે ખુની ખેલ ખેલ્યો હતો. બનાવ અંગે મૃતકના પુત્રની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કે.જી. ઝાલાની રાહબરીમાં પીઆઇ યુ.આર.ડામોરની તથા પીએસઆઇ આર.જે.જાડેજા તથા ટીમે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના પીટોલ તાલુકાના ચૌરા ગામના રાજુ રમેશ ડોડીયારને ઝડપી લીધો હતો. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલ પાવડો પણ કબજે કર્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપી ચારેક માસ પૂર્વે જ ત્રાકુડા ગામ આવ્યો હોવાનું સામે આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande